ગાંધીનગર,મંગળવાર
હેડ ક્લાર્ક પેપરકાંડમાં નવા ફણગા ફૂટી રહ્યા છે અને તપાસમાં પણ નાની માછલીઓને પકડવામાં આવી રહી છે. મોટા માછલા હજુ બિન્દાસ્ત ફરી રહ્યા છે ત્યારે આ કેસમાં સાચી હકીકતો સામે આવશે કે કેમ તેના ઉપર શંકાઓ ઊઠી રહી છે. ગૌણ સેવા મંડળનું પેપર જે પ્રિન્ટિંગ પ્રેસમાં અપાયું હતું તે બોપલ-આંબલી રોડ ઉપર આવેલી સૂર્યા ઓફસેટનો માલિક મુદ્રક પુરોહિત ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાનો ખાસ માણસ છે. મુદ્રક પુરોહિત ભાજપ અને આરએસએસ સાથે ઘરોબો ધરાવવા ઉપરાંત તેણે ભાજપને રૂપિયા એક લાખનું દાન પણ આપ્યું છે.
અસિત વોરાનું પીઠ્ઠુ ગણાતા મુદ્રક પુરોહિત ઉપર અસિત વોરા ઓળઘોળ હતા અને પોતાનો ભાઈ ડો.જે.જે.વોરા કે જે ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા ત્યારે પ્રિન્ટિંગનું કામ અપાયું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. પ્રિન્ટિંગ પ્રેસનો સુપરવાઈઝર કિશોર આચાર્ય પકડાયો છે એ તો માત્રને માત્ર મહોરુ છે પણ પરદા પાછળ અનેક અઠંગ ખેલાડીઓ છે અને તેમાં મુદ્રક પુરોહિત અને અસિત વોરાની સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. અગાઉ પણ સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગુજરાત યુનિવર્સિટીના પેપર લીક થયા હોવાનું પણ બહાર આવ્યું છે. ગૌણ સેવા મંડળના અસિત વોરા સૂર્યા ઓફસેટ ઉપર કેમ આટલા ઓળઘોળ હતા તેની પાછળનું રહસ્ય શું છે તેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો ઉજાગર થઈ શકે છે. હજુ પણ આ કેસમાં અસિત વોરા જેવા મોટા મગરમચ્છને બચાવવા માટે ભારે ધમપછાડા થઈ રહ્યા છે.
હેડ ક્લાર્ક પેપરલીક કાંડના તાર ગૌણ સેવા મંડળ સુધી જાેડાયેલા હોવાની પ્રબળ શક્યતાઓ છે અને આ કેસમાં અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે તે માત્રને માત્ર દલાલો અને પરીક્ષાર્થીઓ જ છે. આંબલી-બોપલ રોડ ઉપર આવેલ સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનો માલિક મુદ્રક પુરોહિત ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલો છે અને અહીંયા અગાઉ વડા પ્રધાન મોદીના ઢગલાબંધ પુસ્તકો પણ છપાયા છે અને માત્ર એટલું જ નહી પણ મુદ્રકે ભાજપને એક લાખનું દાન આપ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. ભાજપ અને આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતા મુદ્રક પુરોહિતને બચાવવા માટે હવે ભારે ધમછાડા કરવામાં આવી રહ્યા છે.
સૂર્યા ઓફસેટના સીસીટીવી પણ પોલીસે હજુ સુધી કબજે લીધા નથી. આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી અગાઉ ગુજરાત યુનિ.ના પેપર લીક થયા હોવા છતાં પણ અસિત વોરાએ કેમ પેપર અહીંયા છપાવવાનો નિર્ણય લીધો તેની સામે સવાલ ઊઠી રહ્યા છે. મુદ્રક પુરોહિત અને અસિત વોરા ખાસમખાસ છે અને અસિત વોરાએ ભૂતકાળમાં પ્રિન્ટિંગને લગતા અનેક કામ સૂર્યા ઓફસેટને અપાવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પેપરકાંડમાં પોલીસ કૂલડીમાં ગોળ ભાગી રહી હોવાનું જણાઈ રહ્યું છે અને હજુ સુધી કોઈ મોટા માથાની સંડોવણી બહાર આવી નથી તે અનેક અચરજ પમાડે છે. માત્રને માત્ર નાના માણસોને પકડીને પોલીસ બહાદુરી બતાવી રહી છે પણ મોટા માથા કોણ છે એ કેમ બહાર આવતું નથી તે ચર્ચાનો વિષય છે. પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થાય તે માટે માત્રને માત્ર અસિત વોરા જ જવાબદાર છે છતાં પણ રાજ્ય સરકાર અસિત વોરાને છાવરી રહી છે અને બચાવ કરી રહી છે. અસિત વોરાનો બચાવ કરવાનું રાજ્ય સરકારને આગામી દિવસોમાં ભારે પડી શકે છે અને વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના લાખો યુવા મતદારો ભાજપને જડબાતોડ જવાબ આપી શકે છે.

