તા.12 ડીસેમ્બરના રોજ લેવાનારી ગુજરાત ગૌણસેવ પસંદગી તરફથી યોજાનારી પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. એ પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પેપર લીક થયાની સ્વીકૃતી આપી હતી. આ વિષય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી દીધી છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ફરીથી માર્ચ મહિનામાં લેવાશે.
ગૌણસેવા પસંદગી મંડળની ભૂલ હશે તો પણ એની સામે પગલાં લેવામાં આવશે. આ સિવાય કોઈ મોટો અધિકારી પણ સંડોવાયેલો હશે તો એની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે. ગૌણસેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા માર્ચ મહિનામાં ફરી આ કસોટી લેવાશે. હવે નવી પદ્ધતિથી પરીક્ષા લેવાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય જે 70 વિદ્યાર્થીઓએ પેપર લીધા હતા એને પણ કોઈ સંજોગોમાં છોડવામાં નહીં આવે. એવી મોટી વ્યવસ્થા સાથે પેપર લેવાશે કે ગેરરીતિ થવાની કોઈ તક જ ન રહે. જ્યારે પેપર લેનાર તથા આરોપીઓને એવી સજા કરાશે કે, વર્ષો સુધી જેલની બહાર નહીં આવે. પેપરલીક મામલે યુવરાજસિંહે ગૌણસેવા પસંદગી મંડળને સચોટ પૂરાવાઓ આપ્યા હતા. ગૌણસેવા પસંદગી મંડળને ફરિયાદી બનવા માટે પણ અરજી કરી હતી. 88000 યુવાનોએ આ પરીક્ષા માટે તૈયારીઓ કરી હતી. યુવરાજસિંહે એવું પણ કહ્યું કે, મારી પાસે રહેલા કેટલાક નક્કર પુરાવાઓ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવશે. પણ એની ગોપનીયતા જળવાઈ રહે. સાણંદમાં આવેલા પ્રિન્ટિગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ રૂ.9 લાખમાં આ પેપર વેચી નાંખ્યું હતું.
જોકે, મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ મોટા વળાંક આવે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે, ચર્ચા એવી છે કે, શું આ કેસમાં કોઈ મોટા અધિકારીનું નામ ખૂલશે કે માત્ર આરોપીઓને પકડી પૂછપરછથી સંતોષ મનાશે? ગાંધીનગર પોલીસે સૌથી પહેલા દીપક પટેલની ઓળખ કરી હતી. આ કેસમાં જે વિદ્યાર્થીઓએ પેપર લીધા હતા એમને પણ શોધવામાં આવશે અને કાયદેસરની તપાસ થશે. પૂછપરછમાં કોઈ મોટા ખુલાસા થઈ શકે છે.

