ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના કમલમ કાર્યાલયમાં સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના મોટા પડઘા પડ્યા છે. આ હંગામો શરૂ થાય એ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કમલમમાં પહોંચીને સુત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે મોટી બબાલ શરૂ થઈ હતી. પણ આ કેસમાં પોલીસ તંત્ર ખોટી દિશામાં દોડ્યું હોવાના રીપોર્ટ મળ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સચીવાલય પહોંચવાના છે એવી માહિતી મળી હતી. પણ કાર્યકર્તાઓ કમલમ પહોંચી ગયા હતા.

સુરક્ષા બંદોબસ્ત સચીવાલયનો વધારી દેવાયો હતો. પછી પોલીસ ટુકડી કમલમ દોડી ગઈ હતી. ગાંધીનગર પોલીસે કમલમ પહોંચીને ત્યાં રહેલા કાર્યકર્તાઓના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. તો કેટલાક પોલીસવાળાઓએ મનફાવે એમ દેવાવાળી કરી હતી. પોલીસની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ લાકડી સાથે જોવા મળ્યા છે. આંદલન કરવા માટે આવેલા ઈસુદાન ગઢવી પણ ત્યાં હાજર રહ્યા હતા. અચાનક લાઠીચાર્જ થતા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સિક્યુરિટી કેબિનમાં છુપાઈ ગયા. ઘણા લોકોને આ ઘટનાને કારણે ગંભીર ઈજા પહોંચી છે. તો કોઈ લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તો કેટલાકને ગાંધીનગર પોલીસ પકડી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. તા.12 ડીસેમ્બરના રોજ હેડક્લાર્કની પરીક્ષા હતી અને તા.9 ડીસેમ્બરના રોજ પ્રિટિંગ પ્રેસમાંથી પેપર ફૂટી ગયું. આન્સર કી સાથે પેપર કેટલાક વિદ્યાર્થીઓને પણ વેચી દેવામાં આવ્યું હતું. જે અંગે વિરોધ કરવા કમલમ પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કેસને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગાંધીનગર સચિવાલય ખાતે આંદલન કરવા માટે આવશે. એવો અણસાર હતો. તેથી સચિવાલયના બંન દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દહેશતમાં તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવાયો હતો.

પણ આપના કાર્યકર્તાઓ સચિવાલયના બદલે કમલમ પહોંચી ગયા. આપના આ વિરોધ પ્રદર્શનને દબાવવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રાખી હતી. પહેલા આપના કાર્યકર્તાઓ એક ખાનગી જગ્યાએ ભેગા થયા અને પછી સચિવાલય તરફ કુચ કરવાના બદલે કમલમ પહોંચી ગયા હતા. ગાંધીનગરમાં આવેલા કોબા સ્થિત ભાજપના મુખ્યકાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું. ગોપાલ ઈટાલિયા સહિત જે કાર્યકર્તાઓને ગંભીર ઈજા થઈ છે એને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા હતા. જ્યારે 27 કાર્યકર્તાઓને ગાંધીનગર SP કચેરીએ લઈ જવાયા છે. AAP પ્રવક્તા મિહિર પટેલે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તા યુવાનો માટે અવાજ ઉઠાવવા ગયા હતા. ભાજપની કઠપૂતળી પોલીસ તથા ભાજપના કેટલાક ગુંડાઓએ અચાનક હુમલો કરી દીધો. પોલીસના લાઠીચાર્જથી ગોપાલ ઈટાલિયાને ગંભીર ઈજા થઈ છે.


