HomeGujaratગૌણ સેવા મંડળના બેશર્મ ચેરમેન અસિત વોરાને હટાવવા રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ થશે 

ગૌણ સેવા મંડળના બેશર્મ ચેરમેન અસિત વોરાને હટાવવા રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ થશે 

ગાંધીનગર,સોમવાર

   ગૌણ સેવા મંડળનું હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ રાજ્યભરમાં ઉમેદવારોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. પોલીસ દ્વારા નાની માછલીઓને પકડવામાં આવી રહી છે. સાણંદ પ્રિન્ટિંગ પ્રેસના હેડે પેપર લીક કર્યું અને તેણે અન્યને વેચ્યું અને તેના છેડા છેક હિંમતનગર સુધી પહોંચ્યા હતા. અહીંયા સવાલ એ થાય છે કે, પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું એ ગૌણ સેવા મંડળની સૌથી મોટામાં મોટી બેદરકારી છે અને આ બેદરકારી માટે ચેરમેન અસિત વોરા સીધા જ જવાબદાર છે. પેપર લીક થયાના પૂરાવા આપ્યા હોવા છતાં બે દિવસ સુધી આ જ અસિત વોરા છટકવાની કોશિશ કરતા રહ્યા હતા અને કહેતા હતા કે, અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી.

  આખરે પાંચ દિવસ પછી સ્વીકારવું પડ્યું હતું કે, હા પેપર લીક થયું હતું. હવે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું એ સાબિત થઈ ચૂક્યું છે ત્યારે પ્રિન્ટિંગ પ્રેસના હેડ કિશોર આચાર્યની ઉપર હજુ કોણ કોણ છે અને માસ્ટર માઈન્ડ કોણ છે તેનું રહસ્ય હજુ બહાર આવતું નથી. પોલીસે વધુ ત્રણ આરોપીને પકડી તો લીધા છે પણ તેમની પૂછપરછમાં હજુ ગૌણ સેવા મંડળની કોઈ ભેદી વ્યક્તિની ભૂમિકા હશે તો તે બહાર આવશે કે કેમ તેના ઉપર સવાલો ઊઠી રહ્યા છે. પેપરલીક કાંડ બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને હવે રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરવા જઈ રહી છે.

  અસિત વોરા જ મોટી માછલી છે અને તેણે તાકીદે દૂર કરવા માટે બંને પાર્ટીઓએ કમર કસી છે અને તેની શરૂઆત આજે ગાંધીનગર કમલમથી થઈ હતી. ભાજપ માટે અસિત વોરા ફેક્ટર આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી મુસીબત સર્જનારું બની રહેશે તેવું જણાઈ રહ્યું છે અને હાલ સોશિયલ મીડિયામાં અસંખ્ય લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે તેમ છતાં ભાજપના મંત્રીઓ બેશર્મ અસિત વોરાને છાવરી રહ્યા છે અને ક્લીનચીટ આપવાની ગુસ્તાખી પણ કરી રહ્યા છે. અસિત વોરાનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર અસિત વોરા ઉપર ગાજવાના બદલે સાચવી રહી છે તેથી ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. 

   હેડ ક્લાર્કનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનું બહાર આવી રહ્યું છે અને પ્રિન્ટિંગ પ્રેસના હેડ કિશોર આચાર્યે આ કારનામા કર્યા હતા અને તેનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો અને અમદાવાદથી હિંમતનગર સુધી તાર જાેડાયા હતા. કિશોર આચાર્ય એકલો આવી મોટી કળા કરી જાય નહી અને તેના ઉપર પણ કોઈક તો એવી વ્યક્તિ છે કે જેના સંપર્કમાં કિશોર આચાર્ય હતો. ગૌણ સેવા મંડળમાં બેઠેલી એ વ્યક્તિ અસિત વોરા છે કે અન્ય કોઈ તેની સચ્ચાઈ ક્યારે બહાર આવશે તેના ઉપર ગુજરાતની જનતાની નજર મંડાયેલી છે. અગાઉ પણ પેપરકાંડ થયા હતા ત્યારે બહારથી પેપરલીક થયું છે તેમ કહીને બે-ચાર નાની માછલીઓને પકડીને તપાસ ઉપર ઠંડું પાણી રેડી દેવામાં આવતું હતું. હેડ ક્લાર્ક પેપરલીકમાં પણ હવે પ્રિન્ટિંગ પ્રેસના છેડા અડ્યા છે અને આ છેડા ક્યાંકને ક્યાંક ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવનની ગૌણ સેવા મંડળની ઓફિસ સાથે જાેડાયેલા હોય તેવું પ્રથમદ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

  અસિત વોરાની શંકાસ્પદ કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે પણ ભાજપ સરકારના મંત્રીઓ અસિત વોરા ઉપર ગાજવાના બદલે વરસી રહ્યા છે અને બેશર્મ અસિત વોરાને ક્લીનચીટ આપી રહ્યા છે. આ ક્લીનચીટ આવનારા દિવસોમાં ભાજપ માટે મુસીબતરૂપ સાબિત થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં પેપરકાંડ ભાજપના નેતાઓને ધોળા દિવસે તારા બતાવી શકે છે અને હાલ રાજ્યભરમાં સોશિયલ મીડિયામાં ઉમેદવારો ભયંકર રોષ ઠાલવી રહ્યા છે. આ રોષને ભાજપ નજરઅંદાજ કરી રહ્યો છે અને પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યો છે. અસિત વોરાનો કાર્યકાળ વિવાદોથી ભરપૂર રહ્યો છે અને તેમ છતાં પણ રાજ્ય સરકારે ફરીથી ચેરમેન તરીકે એક્સ્ટેન્શન આપી એ સાબિત કરી દીધું છે કે, રાજ્યમાં અન્ય કોઈ પ્રતિભાશાળી અધિકારીઓ જ નથી.

  પેપરકાંડનું હાડકૂ ભાજપના ગળામાં આવનારા દિવસોમાં બરાબરનું ફસાઈ શકે છે અને અસિત વોરાનું બચાવવાનું સરકારને ભારે પડી શકે છે. જીપીએસસી જેવી એજન્સી પોતાના પેપર અન્ય રાજ્યોમાં છપાવે છે ત્યારે અસિત વોરા કેમ ગુજરાતમાં જ પેપર છપાવી રહ્યા છે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે. પેપરની ગોપનિયતા રાખવાની સંપૂર્ણ જવાબદારી અસિત વોરાની છે તેમ છતાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું એ અનેક સવાલો ઊભા કરે છે. પકડાયેલો કિશોર આચાર્ય મોં ખોલશે તો અનેકના વટાણા વેરાઈ જશે પણ એ મોં ખોલે છે કે કેમ તે પણ એક રહસ્ય છે.

  અસિત વોરાની ભૂમિકા પહેલેથી જ આ કેસમાં શંકાસ્પદ રહી છે અને શરૂઆતમાં બે દિવસ તો અસિત વોરા એમ કહીને બચતા રહ્યા કે અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી. જ્યારે પગ નીચે રેલો આવ્યો ત્યારે અસિત વોરાને સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કરવાની ફરજ પડી હતી. રાજ્યના સેંકડો ઉમેદવારો અસિત વોરાની ઉલટ તપાસ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. પેપરકાંડ પછી અસિત વોરાને ચેરમેન પદે રહેવાનો કોઈ અધિકાર નથી પણ રાજ્યની ભાજપ સરકારના અસિત વોરા ઉપર ચારે હાથ છે અને તેના કારણે અસિત વોરા સતત બચતા રહ્યા છે. આ પેપરકાંડમાં પણ નાની માછલીઓનો શિકાર કરવામાં આવશે અને અસિત વોરા જેવા મોટા મગરમચ્છનો વાળ પણ વાંકો થશે નહી. સરકારની સાન ઠેકાણે લાવવા માટે ઉમેદવારો સ્વયંભૂ આંદોલન કરે તો નવાઈ જેવું લાગશે નહી. ભાજપ સરકાર પેપરકાંડમાં ભેખડે ભરાઈ જશે તેમાં પણ બેમત નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આવનારા દિવસોમાં ભાજપ સામે હલ્લાબોલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને અસિત વોરા સામે મોરચો માંડી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW