મુંબઈ, સોમવાર
દુનિયામાં કોરોનાના નવા વેરિએટ ઓમિક્રોનને કારણે વણસતી સ્થિતિ અને વૈશ્વિક બજારોમાં કમજોરીની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા દિવસે સોમવારે સેન્સેક્સ 2.09 ટકા એટલે કે 1189.73 અંકના ઘટાડા સાથે 55822.01 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 2.18 ટકા એટલે કે 371 અંકના ઘટાડા સાથે 16614.20ના સ્તરે આવી ગયો છે. બજારમાં આખરી કલાકોમાં નીચલા સ્તરે કેટલીક રિકવરી જોવા મળી છે.
શેરબજાર ગગડવાના ત્રણ મુખ્ય કારણો-
ઓમિક્રોનનો વધતો ખતરો-
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ઝડપથી ફેલાવાને જોતા ટ્રાવેલ રિસ્ટ્રિક્શનથી લઈને લોકડાઉન લગાવાય રહ્યા છે. ઘણા યુરોપિયન દેશોમાં ઓમિક્રોન ઝડપતી ફેલાય રહ્યો છે. તેવામાં નેધરલેન્ડો લોકડાઉનની ઘોષણા કરી દીધી છે. ગ્લોબલ માર્કેટમાં પણ આના કારણે ઘટાડો થયો છે.
વિદેશી રોકાણકારોએ નાણાં કાઢયા-
ગત 40 દિવસોમાં એફઆઈઆઈએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા કાઢયા છે. એકલા ડિસેમ્બરમાં એફઆઈઆઈએ કેશ માર્કેટમાંથી 26 હજાર કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી. આ વર્ષની આ સૌથી મોટી મંથલી સેલિંગ છે. 17 ડિસેમ્બરે એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 23069 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.
મોંઘવારીને લઈને ચિંતા-
આના સિવાય વધતી મોંઘવારીને લઈને દુનિયાભરની મુખ્ય કેન્દ્રીય બેંકોની ચેતવણીઓએ રોકાણકારોને ડરાવી દીધા છે. મોંઘવારીનો સામનો કરવા માટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજદરો વધારનારી વિશ્વની પહેલી કેન્દ્રીય બેંક છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ મોંઘવારીને ચિંતાનું મોટું કારણ ગણાવી છે. સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. માત્ર હિંદુસ્તાન યૂનિલીવર અને ડૉ. રેડ્ડી લીલા નિશાન પર કારોબાર કરતા જોવા મળ્યા. જ્યારે સૌથી વધુ 5.18 ટકાનો ઘટાડો બજાજ ફાયનાન્સ, 5.17 ટકાનો ઘટાડો ઈંડસઈંડ બેંક, 4.94 ટકાનો ઘટાડો ટાટા સ્ટીલ, 4.65 ટકાનો ઘટાડો એસબીઆઈ અને 4.22 ટકાનો ઘટાડો એનટીપીસીમાં જોવા મળ્યો છે. નિફ્ટીના તમામ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા છે.

