ગાંધીનગર, રવિવાર
રાજ્યભરના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. સરપંચપદના ઉમેદવારોએ અને એમના ટેકેદારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં તો ભરશિયાળે પણ ચૂંટણીલક્ષી ગરમાવો જામ્યો છે. આજે મતદાનનો દિવસ છે. પોતાના ગામના વિકાસનું સૂકાન કોના હાથમાં સોંપવું ? એનો નિર્ણય લેવાનો અત્યંત મહત્વનો દિવસ છે ત્યારે દરેક ગ્રામજનોએ મતદાન તો અચૂક કરવું જ જોઈએ.
ચૂંટણીમાં ઊભેલા કયા ઉમેદવાર શિક્ષિત, સમજુ, દુરંદેશી અને પારદર્શક છે એ જોયા અને સમજ્યા પછી જ મત આપજો. નાત -જાત કે સગા-સંબંધીઓના બદલે આપણે આપણા ગામની એ ધ્યાનમાં લેવું જોઈએ. કઈ વ્યક્તિ એવી છે કે, જે ગામને ચાહે છે, ગામ માટે કંઈક કર્યું છે અથવા કરી છુટવાની ભાવના છે. આવા ઉમેદવાર જ આપણાં મતના અધિકારી છે માટે ભાવનાઓ અને લાગણીઓમાં તણાયા વિના શુદ્ધ મનથી અને સ્વસ્થ ચિત્તે મતદાન અવશ્ય કરજો.
મતદાન અવશ્ય કરવું જોઈએ, પણ ચૂંટણીના માહોલની ગરમી મગજમાં ન ચઢી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પોલિટિક્સ જેનો ફૂલટાઈમ બિઝનેસ નથી એવા યુવાનોએ રાજકારણના રંગમાં એટલું બધુ રંગાઈ ન જવું જોઈએ કે, વ્હાલા હોય એ દવલા બની જાય, દોસ્ત – દૂશ્મન થઈ જાય, લોહીના સંબંધોમાં તિરાડો પડી જાય, લાગણીનું બાષ્પીભવન થઈ જાય કે વર્ષો જૂનો સ્નેહ, નફરતમાં બદલાઈ જાય. એક વાત યાદ રાખજો, કોઈપણના માટે આપણે આપસમાં તણાઈ જવાની જરૂર નથી. આપણે આપણી ખેતીવાડી, નોકરી કે વેપાર – ધંધા સાચવવાના છે. (તસવીર પ્રતિકાત્મક છે)

