અમદાવાદ, બુધવાર
ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ કલાર્કનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતું જે મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ પણ વિરોધ કર્યો છે.NSUI એ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરે અને ત્વરિત પગલાં ભરે જેથી ઉમેદવારો સાથે અન્યાય ના થાય.NSUI દ્વારા પણ પેપર લીક મામલે વિરોધ કરવામાં આવ્યો છે.NSUI ના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે પેપર લીક થવા મામલે હજુ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. નાની બાબતોમાં સરકાર મોટી જાહેરાત કરે છે. પરંતુ પેપર લીક મામલે મૌન છે. સરકારે ઉમેદવારો સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ અને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.
રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ બાબતે આજે 15 ડિસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા ગૌણ સેવા મંડળને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માગણી તેમજ જવાબદારો અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના નેતા યુવરાજના જણાવ્યા અનુસાર ઊંછા ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના 16 ઉમેદવારની પાસેથી વ્યક્તિદીઠ 12 લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. એ સાથે કેટલાંક સોલ્યુશનનાં પુસ્તકો આપી એમાંથી જવાબ પણ શોધી લેવાયા હતા, પરંતુ 200માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાક ભરતી પરીક્ષાના ટ્રેનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયા હતા.

