ગાંધીનગર, સોમવાર
ગઈકાલ રવિવારે 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે આજ રોજ આમ આદમી પાર્ટીના વિધાર્થી પાંખના નેતા યુવરાજ સિંહ દ્વારા પ્રેસ કૉંફરન્સમાં દાવો કરવામાં આવ્યો છે. આ પરીક્ષાના પેપર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે લીક થાય છે. અને પરીક્ષા પહેલા જ કેટલીક જગ્યાએ તેનું લાખો રૂપિયામાં વેચાણ પણ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 186 જગ્યા માટે ની પરીક્ષા યોજાઇ હતી. જેમાં 2 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આશરે દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. યુવરાજ સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, પેપર લીક થઈ ગયું હતું અને સોશિયલ મીડિયામાં તેના પુરાવા આપ પાસે છે.
યુવરાજ સિંહના જણાવ્યા અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક ખાનગી ફાર્મ હાઉસમાંથી આ પેપર લીક થયું હતું. જેમાં 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હાજર હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું. 10 ને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પોહોંચ્યું હતું. એક ઉમેદવારને કોબાની એક સંસ્થામાંથી ચબરખી મળી હતી. હિંમતનગરમાં પેપર 10 અને 12 લાખમાં આ પેપર વેચાયા હોવાનો દાવો એમણે કર્યો હતો. જ્યારે અન્ય સ્થળો પર 7 થી 8 લાખ માં વેચાયું હતું. વધુમાં યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે રહેલા પુરાવાના આધારે તપાસ કરવામાં આવે અને દોષિતને સજા આપવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર પેપર લીકમાં પોલીસ કોન્સ્ટેબલ જવાબદાર છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

