ગાંધીનગર, રવિવાર
ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું ડેન્ગ્યૂની બિમારી બાદ મલ્ટી ઓર્ગન ફેઈલ થયા બાદ રવિવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અવસાન થયું છે ત્યારે ઊંઝા સહિતના પંથકમાં તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. ડો.આશાબેન પટેલ 2017માં કોંગ્રેસની ટિકીટ ઉપરથી ચૂંટાયા હતા અને કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું કહીને ૨૦૧૯માં ભાજપમાં જાેડાયા હતા અને પેટા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસિલ કરી હતી. ઊંઝા બેઠકનું નામ આવે એટલે નારાયણ લલ્લુ પટેલનું નામ અચૂક યાદ આવે કારણ કે, ૧૯૯૫થી સતત તેઓ પાંચ વખત આ બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના નામનો ડંકો વાગતો હતો.
ડો.આશાબેન પટેલે નારાયણ લલ્લુ પટેલને હરાવ્યા હતા અને ભાજપમાં મોખરાનું સ્થાન હાંસિલ કર્યું હતું. કોંગ્રેસમાંથી જ્યારે તેઓ ૨૩ હજાર જેટલા મતથી ચૂંટાયા હતા પણ જ્યારે ભાજપ તરફથી ચૂંટણી લડ્યા ત્યારે 32 હજાર મતની લીડથી જીત્યા હતા. ડો.આશાબેન પટેલ ભાજપમાં આવતાં જ ઊંઝા બેઠક ઉપરથી નારાયણ પટેલનું વર્ચસ્વ ખતમ થઈ ગયું હતું. એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝામાં નારાયણ પટેલ 21 વર્ષથી એક ચક્રીય શાસન ભોગવતા હતા અને અને આ એકચક્રીય શાસનને ડો.આશાબેન પટેલે ધ્વસ્ત કરી નાખ્યું હતું અને માર્કેટયાર્ડમાં તેમના દ્વારા સમર્થિત વિકાસ પેનલે ભવ્ય વિજય હાંસિલ કર્યો હતો. તેમના નિધનથી ઊંઝા માર્કેટયાર્ડમાં પણ સોંપો પડી ગયો હતો અને ચેરમેન દિનેશભાઈ પટેલથી લઈ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિતનાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
ડો.આશાબેન પટેલનો જન્મ 69 જાન્યુઆરી, 1977ના રોજ વિસળમાં થયો હતો. અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા અને તેના કારણે જ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિષયમાં સંશોધન કરીને ડોક્ટરેટની પદવી હાંસિલ કરી હતી અને તેઓ પ્રોફેસર પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ ખેતી તેમજ સમાજસેવા સાથે પણ સંકળાયેલા હતા. મિલનસાર સ્વભાવ અને દરેક માણસને તેઓ નિરાભિમાની તરીકે મળતા હતા અને નાનામાં નાનો માણસ કોઈ સમસ્યાની રજૂઆત લઈને આવે તો તેનું નિરાકરણ લાવતા અને એ રીતે તેઓ દરેક માણસમાં અમી છાપ ધરાવતા હતા.
સમાજસેવામાં ઊંડા ઊતરી ગયેલા ડો.આશાબેન પટેલે લગ્ન પણ કર્યાં નહોતા અને સમાજ સેવાને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. ઉત્તર ગુજરાત યુનિ.માં તેઓ પીએચ.ડી.ગાઈડ હતા તેમજ ઉત્તર ગુજરાત રાજીવ ગાંધી સ્ટડી સર્કલના કો-ઓર્ડીનેટર પણ હતા. હેમચંદ્રાચાર્ય યુનિ.માં તેઓ સમકક્ષતા સમિતિ, એનએસએસ સલાહકાર સમિતિ, નાણાકિય સમિતિ, એન્ટિ રેગિંગ સમિતિ અને બોર્ડ ઓફ યુનિ.ટિચર્સ એન્ડ રિસર્ચમાં સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ડો.આશાબેન પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના કારોબારી સભ્ય હતા. લાયન્સ ઈન્ટરનેશનલ ક્લબના કેબિનેટ ઓફિસર હતા.
ગુજરાત વિધાનસભા ખંડીત થઈ
ડો.આશાબેન પટેલના અવસાનથી વિધાનસભા ખંડીત થઈ છે અને ફરીથી 182નો આંકડો અપશુકનિયાળ સાબિત થયો છે. ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં આ આંકડો યથાવત રહેતો નથી. આગામી છ મહિનામાં ઊંઝા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ શકે છે.
કડવા પાટીદાર સમાજનો શિક્ષિત ચહેરો
ડો.આશાબેન પટેલ કડવા પાટીદાર સમાજનો યુવા ચહેરો હતા અને મહેસાણા જિલ્લામાં તેઓ મોખરાનું સ્થાન ધરાવતા હતા. પાટીદાર અનામત આંદોલનમાં પણ તેમણે સક્રિય ભૂમિકા નિભાવી હતી. ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજના સભ્ય હતા. ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉત્તેજક મંડળના તેઓ ટ્રસ્ટી પણ હતા. રાજનેતાની સાથે-સાથે તેઓ સામાજિક કાર્યકર તરીકે ખૂબ જાણીતા હતા અને અનેક પ્રશ્નોનું નિરાકરણ તેઓ લાવ્યા હતા. અનેકવિધ સામાજિક કાર્યો કરીને તેઓ સંખ્યાબંધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતા. છેવાડાના માનવી સુધી પણ તેઓ લોકપ્રિયતા ધરાવતા હતા.
ઊંઝા માર્કેટયાર્ડમાં દબદબો હતો
ઊંઝા માર્કેટયાર્ડમાં નારાયણ પટેલના 21વર્ષીય એકચક્રી શાસનને ડો.આશાબેન પટેલે ધ્વસ્ત કરી નાખ્યું હતું અને તેમના કારણે દિનેશ પટેલ ચેરમેન બન્યા હતા. નારાયણ પટેલ ગ્રૃપને ધોળા દિવસે તારા બતાવીને ડો.આશાબેન પટેલે પોતાના વિરોધીઓને સાનમાં ઘણું બધું કહી દીધું હતું. તેઓ પોતાના મત વિસ્તાર સહીત સમગ્ર ઊંઝામાં તેમની ગણના એક સક્રિય નેતા તરીકે થતી હતી. સ્પષ્ટ વક્તા તેમજ ઈમાનદાર વ્યક્તિત્વ ધરાવતા ડો.આશાબેનના અવસાનને લઈ ઊંઝા માર્કેટયાર્ડ કમિટીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

