ગાંધીનગર, રવિવાર
ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન ફેઈલ થયા હતા અને ત્યાર બાદ તેમની હાલત ગંભીર હતી અને તેઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. દિલ્હીથી આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી અને તેમણે વધુ સારવાર માટે એસજી હાઈવે સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે એટલે કે રવિવારે બપોરે સવા એક વાગ્યાના સુમારે તેમનું અવસાન થયું હતું. આશાબેન પટેલ ઊંઝા એપીએમસીમાં દબદબો ધરાવતા હતા અને સામાન્ય મતદારોમાં પણ તેઓ લોકપ્રિય હતા. વિધાનસભામાં પણ તેઓ સક્રિય હતા અને માત્ર 42 વર્ષની ઉંમરે તેઓએ લોકપ્રિયતાના તમામ શિખરો સર કર્યા હતા. આશા બેનના નશ્વર દેહને રવિવારે ઊંઝા લઈ જવાશે અને માર્કેટયાર્ડમાં પણ દર્શનાર્થે મૂકાશે અને આવતીકાલે સોમવારે તેમના નશ્વર દેહને તેમના વતન વિસોડ લઈ જવાશે અને ત્યાંથી સિદ્વપુર મૂક્તિધામ ખાતે લઈ જવાશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલને ડેન્ગ્યૂ થયો હતો અને વધુ સારવાર માટે તેમણે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી હતી પણ તેમના મલ્ટી ઓર્ગન ફેઈલ થઈ ગયા હતા અને ડોક્ટરો તેમણે બચાવવા પ્રયાસ કર્યા હતા. જાે કે, રવિવારે તેઓ જિંદગીનો જંગ હારી ગયા હતા અને બપોરે સવા એક વાગ્યાના સુમારે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે એટલે કે શનિવારે ભૂપેન્દ્ર પટેલ પણ તેમના ખબર અંતર પૂછવા માટે ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. ડો.આશાબહેન પટેલના નિધન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને શ્રદ્વાંજલિ પાઠવી હતી. તેઓએ તેમની ધારાસભ્ય તરીકેની કામગીરીને બિરદાવી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ડો.આશાબેન પટેલને શ્રદ્વાંજલિ આપી હતી. ઉત્તર ગુજરાતની પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમિસ્ટ્રીમાં પીએચડી થયેલા આશાબેન પટેલ ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ત્યારબાદ ૨૦૧૯માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપે તેમણે ટિકીટ આપી હતી અને તેઓ 23, 072 મતની લીડથી જીત્યા હતા. આશાબેનનો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૫૪ના રોજ થયો હતો અને તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા.

