અમદાવાદ,શનિવાર
આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ગાંધીનગરના મહેમાન બનનારા વિવિધ ડેલિગેશનો, આમંત્રિતો, રોકાણકારો ઉપરાંત તબક્કાવાર દેશ અને અલગ અલગ રાજ્યોના VVIP અને VIP મહેમાનો આવશે ત્યારે તેમનાં રહેવા અને જમવા સહિતની સરાભરા માટે પ્રવાસન વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબની તૈયારીઓ સાથેની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
કોરોનાની ગાઇડલાઈન્સ મુજબ, મહેમાનોને રાખવા માટે રાજ્ય સરકારે અમદાવાદ-ગાંધીનગરની અલગ અલગ કેટેગરીનાં રિસોર્ટ્સ, હોટલો, ઉપરાંત અલગ-અલગ સર્કિટ હાઉસ, વિશ્રામગૃહ અને અતિથિગૃહનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમાં જો મહેમાનોને ક્વોરન્ટીન કરવામાં આવે તો તેમની વ્યવસ્થા અંગેનો એક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ યાદીમાં અમદાવાદ-ગાંધીનગરની અલગ અલગ કેટેગરીનાં રિસોર્ટ અને હોટલોની ડેટા બેંક બનાવવામાં આવી રહી છે, જેના આધારે બુકિંગ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા યોજાનારી 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકારના IPS અને IFS(ઇન્ડિયન ફોરેન સર્વિસ) સહિત કુલ 60 ઉચ્ચ અધિકારીની વિવિધ 17 કમિટી બનાવી અલગ-અલગ જવાબદારી સોંપી દેવામાં આવી છે.

