નવી દિલ્હી, શનિવાર
અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલા તાલિબાને કહ્યું છે કે પાકિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે તાલિબાનનો કોઈ સંબંધ નથી. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ટીટીપી પ્રમુખ મુફ્તિ નૂર વલી મહસૂદે કહ્યુ હતુ કે તેનું સંગઠન ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનની જ એક શાખા છે.
હવે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આરબ ન્યૂઝની સાથેના એક ઈન્ટરવ્યૂમાં મહસૂદ દ્વારા અફઘાન તાલિબાન સાથે સંબંધના દાવાઓને ફગાવ્યા છે. ઝબીહુલ્લા મુજાહિદે કહ્યુ છે કે તે ટીટીપી એક સંગઠન તરીકે ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનનો હિસ્સો નથી અને અમારો ઉદેશ્ય સમાન નથી. ઝબીહુલ્લાએ કહ્યુ છે કે અમે ટીટીપીને ટીટીપીને પોતાના દેશમાં શાંતિ અને સ્થિરતા પર ફોકસ કરવાની સલાહ આપીએ છીએ. આ બેહદ જરૂરી છે, જેથી ટીટીપી આ ક્ષેત્ર અને પાકિસ્તાનમાં દુશ્મનોના હસ્તક્ષેપના કોઈપણ મોકાને રોકી શકે. અમે પાકિસ્તાન સરકારને ક્ષેત્ર અને પાકિસ્તાનની બહેતરી માટે ટીટીપીની માગણીઓ પર વિચારવાની વિનંતી કરીએ છીએ.
ઝબીહુલ્લાએ ટીટીપીના મામલાને પાકિસ્તાનનો આંતરીક મામલો ગણાવ્યો છે. તેણે કહ્યુ છે કે ઈસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનનું વલણ એ છે કે અમે અન્ય દેશોના મામલામાં હસ્તક્ષેપ કરતા નથી. પાકિસ્તાનને લઈને પણ અમારો આ અભિપ્રાય છે. જો કે લગભગ મહિના પહેલા અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુતાકી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અફઘાન તાલિબાન બંને પક્ષોના કહેવા પર પાકિસ્તાન અને ટીટીપી વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યા હતા.

