ગાંધીનગર,ગુરુવાર
રાજ્યમાં શિક્ષણ વિભાગ બાળકોના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. સરકાર રાજ્યભરમાં 50 જેટલી રેસિડેન્શિયલ શાળાને ચાલુ કરશે. આ શાળા ડિસેમ્બર માસના અંત સુધીમાં ચાલુ થશે. જેમાં ધોરણ એકથી પાંચના માત્ર ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. રેસિડેન્શિયલ સ્કૂલમાં દર વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.આ મુદ્દે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસેમ્બરના અંત સુધીમાં આ શાળાનો શરૂ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ માટે વાયબ્રન્ટ સમિટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MoU પણ કરવામાં આવશે. આમ કુલ 50 શાળાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓને સરકાર નિ:શુલ્ક શિક્ષણ આપશે.
રાજ્યમાં ગુણવત્તસભર શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાક દ્વારા પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ ગુણોત્સવના અનેક કાર્યક્રમ યોજતી હોય છે, જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવતી હોય છે ત્યારે શિક્ષણક્ષેત્રે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે જેને લઈને રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે. આ શાળા શરૂ થતા એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર રૂપિયા 60 હજારનો બોજો પડશે. જેને લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ દર્શાવી છે.

