ઓખા/પોરબંદર, બુધવાર
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) અરિંજય અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું એ સમયે ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવેલી 2 પાકિસ્તાની ફિશિંગ બોટ એમની નજરે ચઢી ગઈ હતી. આથી, આ બંને પાકિસ્તાની બોટોને પડકારવામાં આવતા બંને બોટો પાકિસ્તાન તરફ ભાગવા માંડી હતી. જોકે, ICG જહાજે એનો પીછો કરીને બંને બોટને અટકાવી હતી.
આ બંને બોટ પાકિસ્તાનની જ હોવાનું અને તે ભારતીય જળસીમામાં ઘૂસી આવી હોવાનું ખૂલ્યું હતુ. વધુ તપાસ કરતાં આ બંને બોટ અલ-નૂર-ઉલ-સુબાહ અને અલ-અબ્દુલ-સલામમાં મળીને 18 ક્રૂ મેમ્બર્સ હતા, જે તમામ કરાચીના વતની હોવાનું બહાર આવ્યું હતુ. ICG ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરતાં એમની પાસેથી 60 કિલોના દરિયાઈ શેલ પણ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં બોટની હાજરીને ક્રૂ દ્વારા સમજાવી શકાય તેમ ન હોવાથી વધુ પૂછપરછ માટે બંને બોટને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર ખાતે લાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ઓખા રાખવામાં આવેલા આ 18 પાકિસ્તાનીઓને હવે પોરબંદર લઈ જવામાં આવ્યા છે. ભારતીય સૂરક્ષા એજન્સીઓ દ્વારા એમની ઝીણવટપૂર્વક પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે અને ભારતમાં ઘૂસવા પાછળ એના ઈરાદાની ભાળ મેળવવા પણ ઈન્કવાયરી કરવામાં આવશે.

