અમદાવાદ, બુધવાર
અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે. સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે.
રાજ્યમાં હાલ વિવિધ માંગોને લઈને જુનિયર તબીબો હડતાળ કરી રહ્યા છે ત્યારે જુનિયર તબીબોને હેડ દ્વારા ધમકી મળ્યાનો જુનિયર તબીબોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ સિવિલમાં હડતાળ પર ઉતરેલા તબીબોને ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે.મહત્વનું છે કે ગુજરાતમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર માગ ન સ્વીકારાતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં આજે નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું દર્દીઓને પરેશાની ન ભોગવવી પડે એ માટે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે.

