ગાંધીનગર, મંગળવાર
માગસર મહિનાના આરંભ સાથે જ શિયાળો ધીરે ધીરે પક્કડ જમાવવા માંડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી જ્યાં પડે છે તે કચ્છના નલિયામાં પારો વધુ એક આંક નીચે સરકીને 10.6એ અટક્યો હતો. આ આંકડાની સાથે તેણે રાજ્યભરમાં મોખરાના સ્થાન જાળવી રાખ્યું હતું. કચ્છભરમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે રહ્યું હતું. આજથી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દર્શાવી રહ્યો છે. શિયાળા દરમિયાન શીત નગરમાં ફેરવાઇ જતાં નલિયામાં નીચું તાપમાન વધુ નીચું જઇને 10.6 ના આંકે અટક્યું હતું. જેને કારણે મોડી રાત્રિથી ઠંડીએ જોર પકડ્યું હતુ.
ઉંચા ઉષ્ણતામાનનો પારો 30 ડિગ્રી જેટલો ઉંચકાતાં છેલ્લા કેટલાક સમયથી અનુભવાતી વાતવરણની વિષમતા જારી રહી હતી. કંડલા બંદરે તાસીરની વિરૂદ્ધ જઈને ન્યૂનતમ પારો એક ઝાટકે 6 આંક જેટલો નીચે ઉતરીને 12 ડિગ્રી થતાં રાજ્યમાં બીજા ક્રમનું ઠંડું મથક બની રહ્યું હતું. મહત્તમ પણ 27.9 ડિગ્રી રહેવાની સાથે દિવસે ટાઢક રહી હતી. જિલ્લા મથક ભુજમાં પણ લઘુતમ એક આંક નીચે ઉતરીને 15.5 ડિગ્રી રહ્યું હતું અને અંજાર તથા ગાંધીધામને સાંકળતા કંડલા એરપોર્ટ મથકે પણ ન્યૂનતમ નીચે સરકીને 16 જ્યારે મહત્તમ 30 ડિગ્રીએ રહેતાં હવામાન સમશીતોષ્ણ રહ્યું હતું. મંગળવારથી રાત્રિનું તાપમાન એકથી ત્રણ ડિગ્રી નીચે સરકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

