HomeGujaratગુજરાત કોંગ્રેસ પ્રમુખ માટે દિપક બાબરીયાનું નામ વહેતું થતાં ઉકળતો ચરૂ, નામ...

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ માટે દિપક બાબરીયાનું નામ વહેતું થતાં ઉકળતો ચરૂ, નામ જાહેર થતાં જ ઘમાસાણ મચશે 

ગાંધીનગર,ગુરૂવાર

   ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે અગાઉ જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલના નામ વહેતા થયા હતા. જાે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓની જૂથબંધીના કારણે હાઈકમાન્ડ હજુ સુધી નિર્ણય લઈ શકી નથી. બીજી તરફ હવે પ્રમુખ પદ માટે નવું જ નામ વહેતું થયું છે જે નિર્વિવાદ છે અને કોઈ પણ જૂથનું ગણાતું નથી. હાઈકમાન્ડે એઆઈસીસીના પૂર્વ મહામંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ પ્રભારી દીપક બાબરીયાના ઉપર મંજૂરીની મહોર મારી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓના આંતરીક રાજકારણથી કંટાળી નવો જ ચહેરો મેદાનમાં ઉતારવા માટે મન બનાવી લીધું છે અને હવે માત્ર તેના નામની જાહેરાત થાય તે ઔપચારિક્તા બાકી છે. દીપક બાબરીયાનું નામ વહેતું થતા જ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે અને ભરતસિંહ સોલંકી જૂથે તો રાજીનામા આપવા સુધીની તૈયારીઓ કરી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

   છેલ્લા નવ-નવ મહિનાથી ગુજરાત કોંગ્રેસ દશા અન દિશા વગરની થયેલી છે અને જાણે કે કોઈ રણીધણી ન હોય તેવી રીતે હાઈકમાન્ડે કોંગ્રેસને નધણિયાત મૂકી દીધી છે. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનું ગૂંચવાયેલું કોકડું હજુ ય ઉકેલાતું નથી. અગાઉ ગુજરાત કોંગ્રેસના ૨૫ જેટલા સિનિયર નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મેરેથોન બેઠકો કરી હતી. જાે કે, તેમાં ય સર્વસંમતિ સધાઈ નહોતી. હાઈકમાન્ડ માટે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના નામની જાહેરાત કરવી એ માથાનો દુઃખાવો બની ચૂકી છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલતા જૂદા જૂદા જૂથો પોતાના વિરોધી જૂથના ઉમેદવારનું નામ પ્રદેશ પ્રમુખ પદ માટે જાહેર થાય તો વિરોધ કરી રહ્યા છે.

  હવે રાહુલ ગાંધીએ આ તમામ જૂથોને પડતા મૂકીને નવા જ નામ ઉપર મન બનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નામ દીપક બાબરીયા હોવાનું જણાઈ રહ્યું છે. એઆઈસીસીના પૂર્વ મહામંત્રી અને મધ્ય પ્રદેશના પૂર્વ પ્રભારી એવા બાબરીયાનું નામ પ્રદેશ પ્રમુખ પદ માટે અવ્વલ ચાલી રહ્યું છે અને તેમના નામ ઉપર મંજૂરી વાગી ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ સિવાય માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અને વાંસદાના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલનું નામ પણ ઉમેરાયું છે. દીપક બાબરીયાનું નામ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસના નેતાઓને તેની ગંધ આવી ગઈ છે અને તેમાં ભરતસિંહ સોલંકી જૂથ તેનો વિરોધ કરી રહ્યું છે અને જાે આ નામ જાહેર કરાશે તો રાજીનામા આપવા સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અગાઉ જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલના નામ ચર્ચાતા હતા પણ તેમાં ય વિરોધનો સૂર ઉઠતાં હાઈકમાન્ડને પીછેહઠ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહુલ ગાંધી નિર્વિવાદ વ્યક્તિની પસંદગી કરવા જઈ રહ્યા છે પણ આ નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે બગાવતી સૂર ઉઠે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW