અમદાવાદ, બુધવાર
અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહિલને બાતમી મળી હતી કે, એક ઈસમ બલેનો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયરના ટીનનો જથ્થો ભરીને નારોલ સર્કલ તરફથી આવી અસલાલી રીંગરોડ તરફ જવાનો છે. આ બાતમીને આધારે બતાવવામાં આવેલા સ્થળ પર બલેનો ગાડી લઈને એક શખ્સ આવ્યો હતો. પોલીસે વોચ ગોઠવીને તેને રોક્યો હતો. તેનું નામ પૂછતાં તેણે નરેશ ભરતકુમાર રોજાસરા જણાવ્યું હતું.
પોલીસને તેની પાસેથી બિયરના 264 ટીન તથા 3 નંગ મોબાઈલ, બનાવટી ટેક્ષ ઈન્વોઈસ બિલ નંગ-2 અને બનાવટી રબ્બર સ્ટેમ્પ (સીલ) નંગ-2 તથા અલગ અલગ બેંકના અસલ ડેબીટકાર્ડ, ક્રેડીટકાર્ડ, પેટીએમ કાર્ડ તથા આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાનકાર્ડ, ફોરવ્હીલ ગાડીની આર.સી.બુકની કલર ઝેરોક્ષ કોપી, રોકડા 210 રૂપિયા સહિત તથા બલેનો ગાડી મળી 5.41 લાખની મત્તાનો મુદ્દામાલ મળ્યો હતો. જેમાં ભાગીદાર રવિ ભગવાનભાઈ સોલંકી તથા મોકલનાર રમાકાંત તિવારી, બિયરના ટીન લેનાર કનકસિંહ ઉર્ફે કાનાભાઈ જેશીંગભાઈ ડોડીયાએ ભેગા મળી ગુનો કરવાના ઈરાદાથી બનાવટી અને ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવ્યા હતા.આરોપીઓ બહારના રાજયમાંથી ગેરકાયદેસરનો વિદેશીદારૂનો જથ્થો લાવવા માટે બનાવટી અને ખોટા ટેક્ષ ઈન્વોઈસ બિલ બનાવી ટ્રાન્સપોર્ટમાં ભરાવી લાવી બિલ તથા બિલ્ટીમાં બનાવટી અને ખોટા રબ્બર સ્ટેમ્પ (સીલ) મારી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાને અંજામ આપેલ છે.આરોપી વિરુધ્ધમાં અગાઉ સુરેન્દ્રનગર જીલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં વિદેશીદારૂના ગુનાઓ નોંધાયેલ છે.

