અમદાવાદ, બુધવાર
રાજ્યમાં ધો. 1થી 5ની શાળાઓ ખુલી જતા હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયુ છે અને વિદ્યાર્થીઓ પણ નિયમિત થવા માંડ્યા છે પણ, બાળકોમાં અભ્યાસ પ્રત્યેના રસરૂચીમાં ઘટાડો નોંધાયો છે. બાળકોનો અભ્યાસ પ્રત્યે રસ વધે અને તેઓ પૂન: શિક્ષણાભિમુખ બને એ માટે ઘણી સ્કૂલોએ બાળકો માટે અભ્યાસની સાથે વધારાના વર્ગોનું પણ આયોજન કર્યું છે. હાલમાં રાજ્યની મોટાભાગની સ્કૂલો બાળકોને રિવિઝન કરાવીને તપાસી રહી છે કે, બાળકોને ક્યાં મુદ્દાઓમાં કચાશ છે.
લગભગ પોણા બે વર્ષ બાદ શરૂ થયેલા ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી પણ હવે ધીરે ધીરે વધવા માંડી હોવાથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સંચાલકોના મતે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલોમાં શિક્ષકો પણ બાળકોને ફરી ઓફલાઇન એજ્યુકેશનની પદ્ધતિમાં ઢાળવા મથી રહ્યાં છે. બાળકોએ સતત લાંબા સમય સુધી ઓનલાઇન શિક્ષા લીધુ હોવાથી તેઓને ક્લાસરૂમના શિક્ષણમાં સેટ થતા થોડો સમય લાગી રહ્યો છે. બાળકોએ ઓનલાઇન શિક્ષણ લીધુ હોવાથી ઘણી સ્કૂલોએ પોતાના ક્લાસરૂમમાં પણ ફેરફારો કર્યા છે. સંચાલકો અભ્યાસ માટે બોર્ડની સાથે મોટા ટીવી વર્ગખંડોમાં લગાવી રહ્યાં છે. એક શિક્ષકે જણાવ્યું હતું કે, છાત્રોમાં અભ્યાસની રૂચિ ઘટી રહી છે, બાળકો અભ્યાસ કરતા મેદાન પર રમવામાં વધુ રસ દાખવતા હોવાથી શિક્ષકો માટે થોડુ કઠીન બન્યું છે. આવનારા સમયમાં સ્કૂલોમાં બાળકોની હાજરી વધશે અને રૂટીનમાં આવશે ત્યારબાદ નોર્મલ શિક્ષણકાર્ય કરી શકાશે એમ મોટાભાગના શિક્ષણશાસ્ત્રીઓ માની રહ્યા છે. (તસવીર પ્રતિકાત્મક છે)

