ગાંધીનગર,મંગળવાર
રાજ્યમાં એલઆરડીની ભરતીને લઈ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આગામી ડીસેમ્બર મહિનાથી જાન્યુઆરી સુધી એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોનો ઉત્સાહ વધે તે માટે અગાઉ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા અને તૈયારી કરતા યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. હવે બનાસકાંઠાના વાવ બેઠકના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે અને એલઆરડીની તૈયારી કરતી મહિલા ઉમેદવારો સાથે તેઓ સાડી પહેરીને દોડ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેઓ ઉમેદવારોને શીખામણ આપતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્યએ પરીક્ષાના દિવસે રહેવા તેમજ ખાવાની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું. ઉમેદવારોને ટકોર કરતાં કહ્યું હતું કે, ભરતીમાં કોઈ લાગવગ ચાલવાની નથી, તમારા દમ ઉપર નોકરી મેળવી સમાજ અને પરિવારનું ગૌરવ વધારો.
રાજ્યમાં 10 હજારથી વધારે એલઆરડીની ભરતીને લઈ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી શારીરિક કસોટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી ડીસેમ્બરથી શારીરિક કસોટીનું આયોજન હાથ ધરવામાં આવનાર છે અને છેક જાન્યુઆરી સુધી ચાલશે. ભરતીમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવશે નહી તેવું અગાઉ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પણ કહી ચૂક્યા છે. રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી પણ ઉમેદવારોને આશ્વાસન આપી ચૂક્યા છે કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રહેશે અને કોઈ જ લાગવગ ચાલશે નહી. હવે આવા ઉમેદવારોને પ્રોત્સાહન મળે તે માટે વાવ બેઠકના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ સાડી પહેરીને ઉમેદવારો સાથે દોડી રહ્યા છે. તેઓ ઉમેદવારોને કહી રહ્યા છે કે, તમાકા દમ ઉપર પરીક્ષા પાસ કરો અને તમારા સમાજનું અને પરિવારનું ગૌરવ વધારો, આ ભરતીમાં કોઈ જ લાગવગ ચાલવાની નથી એટલે એ વિચારવાનું બંધ કરી દો. તેમણે પરીક્ષાના દિવસે ઉમેદવારોની રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરીશ તેવું પણ કહ્યું હતું. ભાભરના સદારમ લાઈબ્રેરીના બાળકો સાથે ધારાસભ્યએ દોડ પણ લગાવી હતી. સાડીમાં દોડતા મહિલા ધારાસભ્ય અનેક ઉમેદવારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. ધારાસભ્યએ ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

