ગાંધીનગર,સોમવાર
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 2021ની વાયબ્રન્ટ સમિટનું આયોજન નહોતુ કર્યું. પરંતુ હવે કોરોના ઓસરતાં જ વૈશ્વિક કક્ષાએ તમામ પ્રકારના સેક્ટરો ફરી વાર ધમધમતા થયાં છે. ત્યારે રાજ્ય સરકારે આગામી 2022માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. જેમાં ક્લીન એનર્જી, ફિન્ટેક, ઈન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેકનોલોજી ક્ષેત્રની ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવા માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કર્યો છે.10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. ગાંધીનગરમાં આજે સવારે સાડા અગિયાર વાગ્યાથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તા અને ઉદ્યોગકારો વચ્ચે માત્ર 14 મિનિટમાં 14 હજાર કરોડના MOU થયાં હતાં. જેમાં 28 હજાર 500 લોકોને રોજગારી આપવાની ખાતરી દર્શાવવામાં આવી હતી.
દર વખતે વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્ય સરકાર ઉદ્યોગો માટે નવા નિર્ણયો લેતી હોય છે. જેનાથી રાજ્યમાં સરળતાથી રોકાણ આવી શકે. તેવી જ રીતે આ વખતે નવી સરકાર રાજ્યમાં વઘુ રોકાણ આવે અને ઉદ્યોગોને રોકાણ કરવામાં સરળતા રહે તે માટે આ નિર્ણયોથી ઉદ્યોગો માટે એક નવી નીતિ બનશે. જે નીતિના આધારે રોકાણકારો રાજ્યમાં પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકશે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સચિવ રાજીવ ગુપ્તાએ MOU શરૂ કર્યાં હતાં. જેમાં માત્ર એક જ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ સાથે એક કે બે નહીં પરંતુ પાંચ- પાંચ MOU કરવામાં આવ્યાં હતાં. આજે માત્ર 14 મિનિટમાં જ 14 હજાર કરોડના MOU થયા હતાં. છેલ્લા બે સોમવારમાં કુલ 38 હજારના MOU કરવામાં આવ્યાં છે.જેમાં 65 હજારથી વધુ લોકોને રોજગારી આપવાની તત્પરતા દર્શાવવામાં આવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાએ ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને રાજ્યમાં હાલ મારુતિ દ્વારા 16 હજાર કરોડના મૂડીરોકાણની પણ વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને એવો પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું. અવાડા એનર્જી પ્રા.લિ.ના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં તેમણે આવનારાં પાંચ વર્ષમાં બિનપરંપરા ગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જે.સી.બીના CEO દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં દીપક શેટ્ટીએ ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન વ્યક્ત કર્યું હતું. અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલે કહ્યું હતું કે અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન ઈન સર્વિસ પ્લેટફોર્મ છે.

