ગાંધીનગર,સોમવાર
ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ હજુ પણ ગાડી પાટા ઉપર ચડી નથી અને નવા મંત્રીઓ હજુ ગોથા ખાઈ રહ્યા છે. અનેક મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં વિવિધ સંમેલનોમાં વ્યસ્ત છે તો કોઈ યાત્રાઓમાં વ્યસ્ત છે. નવ નિયુક્ત મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને આદેશ કર્યો હતો કે, દર સોમવાર અને મંગળવારે પ્રજાની ફરિયાદોનું નિરાકરણ કરવા માટે ફરજિયાત સ્વર્ણિક સંકુલમાં પોતાની ઓફિસોમાં હાજર રહેવું પડશે. જાે કે, આ આદેશનું હજુ પણ પાલન કરવામાં આવતું નથી અને કેટલાક મંત્રીઓ રીતસર ગેરહાજર હોય છે. નવા મંત્રીઓની નબળી કામગીરીને લઈ દિલ્હી આલા કમાન સખ્ત નારાજ ચાલી રહ્યું છે અને આ મામલે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખને પણ ઠપકો મળી રહ્યો છે. મંત્રીઓ માટે એક વર્ષનો સમય બાકી છે ત્યારે સારી કામગીરી કરવા માટે અગાઉ પણ દિલ્હી આલા કમાન સ્પષ્ટપણે કહ્યું હતું. જાે કે, નવા મંત્રીઓ હજુ પણ પોતાના વિભાગને સમજવાની કોશિશ કરી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે તો બીજી તરફ નવી સરકાર પાસે લોકોને અનેક અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓને પૂરી કરવી એ નવી સરકાર માટે મોટો પડકાર છે. નવી સરકારના મંત્રીઓ કોરી સ્લેટ જેવા છે અને તેમને વહીવટી અનુભવ ન હોવાના કારણે હજુ પણ તેઓ પોતાના વિભાગને સમજી શક્યા નથી. કેટલાય મંત્રીઓ હજુ સોમવાર અને મંગળવારે ગુલ્લી મારી રહ્યા છે અને અગાઉ મુખ્યમંત્રીને પણ સરપ્રાઈઝ વિઝિટ કરવાની ફરજ પડી હતી અને તે સમયે પણ કેટલાક મંત્રીઓ પોતાની ચેમ્બરમાં હાજર નહોતા. તત્કાલિન રૂપાણી સરકાર સામે ભયંકર લોક રોષ સામે આવ્યો હતો અને જાે તેમણે ચાલુ રાખવામાં આવે તો ગુજરાતમાં ભાજપને ૮૨ બેઠકો પણ મળી શકે તેમ નહોતી અને આખરે રાતોરાત આખે આખી સરકાર હટાવી દેવામાં આવી હતી અને નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીઓ લાવવામાં આવ્યા હતા.
જાે કે, હજુ પણ નવા મંત્રીઓને ફાવટ આવી નથી અને પોતાના વિભાગમાં ગોથે ચડી રહ્યા છે. અધિકારીઓ પણ નવોદીત મંત્રીઓના બિન અનુભવનો લાભ લઈ રહ્યા છે અનેે ક્યાંક પોતાનું ધાર્યું પણ કરાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. દિલ્હી આલા કમાન ગુજરાતની નવી સરકાર ઉપર વોચ રાખી રહી છે અને કામગીરીનું મૂલ્યાંકન કરી રહી છે. નવા મંત્રીઓની કામ કરવાની પદ્વતિથી દિલ્હી આલા કમાન ભારોભાર નારાજ છે અને એ નારાજગી મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ પાટિલ સામે ખુલીને બહાર આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી આડે એક વર્ષનો સમય બાકી છે ત્યારે નવા મંત્રીઓ સારી કામગીરી કરી લોકોમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ ઉજાગર કરે તે દિશામાં કામ કરવામાં આવે તે માટે દિલ્હી આલા કમાન નજર રાખી રહ્યું છે પરંતુ, નવા મંત્રીઓ હજુ પણ ઉદ્ઘાટનો, સભાઓ અને રેલીઓ તેમજ અનેક વિધ કાર્યક્રમોમાંથી નવરા પડતા નથી.

