અમદાવાદ, રવિવાર
દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવર્સીટીમાં હાલ પરીક્ષાઓ ચાલુ થઈ છે. પરંતુ વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે સેન્ટર શોધવામાં નહિ પણ રહેવા માટે ઘર શોધવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ છે, શહેરમાં બંધ પડેલી સમરસ હોસ્ટેલ અને યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલ હોસ્ટેલ વિધાર્થી માટે શરૂ નહીં થતા દૂરદૂરથી પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.
50 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારથી ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. કોરોના સંક્રમણ ઘટતા પ્રથમવાર ઓફલાઈન રીતે જ પરીક્ષા લેવાઇ રહી છે. અંદાજે ૫૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આર્ટ્સ, કોમર્સ, વિજ્ઞાન પ્રવાહ અને વિવિધ શાખાઓની પરીક્ષા ચાલી રહી છે. સેમેસ્ટર – 3 અને પીજી સેમેસ્ટર- 6 ની પરીક્ષા વિધાર્થીઓ આપી રહ્યા છે. જોકે, એ પરીક્ષા માત્ર અમદાવાદ- ગાંધીનગરના સેન્ટરમાં જ લેવાતી હોઈ વિધાર્થીઓને હાલાકી પડી રહી છે.
વિદ્યાર્થીઓ PGમાં રહેવા મજબૂર
ગુજરાત યુનિવર્સિટીમાં કોવિડના નિયમોના પાલન સાથે પરીક્ષા તો લેવાઈ રહી છે. પણ તકલીફ છે હોસ્ટેલની. એક સેમેસ્ટર પૂરું થયું પરંતુ સમરસ હોસ્ટેલ ચાલુ ના થતા મોંઘી ફી ભરીને વિદ્યાર્થીઓ PGમાં રહેવા મજબૂર બન્યા છે. કોરોનાના કેસ ઘટ્યા છતાં હજુ સુધી સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી નથી જેથી બહારગામથી આવતા વિદ્યાર્થીઓને વધુ ફી ભરીને ખાનગી હોસ્ટેલ કે PGમાં રહેવાની છે જ્યાં અન્ય ખર્ચા વધુ થઈ રહ્યા છે. જેથી તાત્કાલિક સમરસ હોસ્ટેલ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને રાહત થાય તેવી NSUIના આગેવાન ભાવિક સોલંકીએ માંગ કરી છે.

