HomeGujaratરાજ્યમાં બેકારી નથી તેવા બણગાં ફૂંકતી સરકારના ગાલ ઉપર તમાચો : જીઆરડીની માત્ર...

રાજ્યમાં બેકારી નથી તેવા બણગાં ફૂંકતી સરકારના ગાલ ઉપર તમાચો : જીઆરડીની માત્ર 600જગ્યા માટે 6 હજાર ઉમેદવારો

ગાંધીનગર,રવિવાર

  ગુજરાતમાં બેકારી ઓછી છે અને દેશભરમાં ગુજરાત સૌથી વધારે બેરોજગારોને રોજગારી આપી રહ્યું છે તેવા દાવા ખૂબ કરવામાં આવે છે. જાે કે, નગ્ન સત્ય સામે કોઈની નજર જતી નથી. ઘરના જ ભૂવા હોય એટલે ઘરના જ ડાકલા વાગે એ સ્વાભાવિક છે એમ રાજ્ય સરકાર માત્રને માત્ર પોતાની સ્વપ્રસિદ્વિ કરે છે અને મોટાપ્રમાણમાં રોજગારી આપ્યાનો દાવો કરી રહી છે. રાજ્યમાં તાજેતરમાં બહાર પડેલી જુદી જુદી સરકારી સંવર્ગની 16 હજાર જગ્યાઓ માટે ૨૪ લાખથી વધારે ફોર્મ ભરાયાં છે અને તેના ઉપરથી અંદાજે લગાવી શકાય છે કે, રાજ્યમાં બેકારીનો ગ્રાફ કેટલો ઊંચે પહોંચ્યો છે. તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળની માત્ર 600જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ભરતીમાં અપેક્ષાથી વધારે 6 હજાર જેટલા ઉમેદવારો આવી પહોંચતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગ્રેજ્યુએટથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ અને એબીએ થયેલા યુવાનો પણ જીઆરડી બનવા માટે તૈયાર છે. મોટી સંખ્યામાં મારો નંબર લાગશે તેવી આશા સાથે ઉમટેલા અનેક ઉમેદવારોને પોલીસના ડંડા પણ ખાવા પડ્યા હતા. આ એકમાત્ર કિસ્સો રાજ્ય સરકારની આંખ ઉઘાડનારો છે અને આવા અન્ય 32 જિલ્લામાં બેકારીની વાસ્તવિક્તા શું છે એ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે. 

  ગતિશીલ ગુજરાત અને ગુજરાત મોડલની દુહાઈ લેવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. જાે કે, જ્યારે બેકારીની વાત આવે ત્યારે પણ રાજ્ય સરકાર સાચી હકીકત બહાર લાવતી નથી. લાખો ઉમેદવારો સરકારી નોકરી માટે વલખા મારી રહ્યા છે અને સમય મુજબ ભરતી ન થતાં અનેક ઉમેદવારોને નાછૂટકે અન્ય ખાનગી નોકરીઓ કરવાની નોબત આવી રહી છે. સરકારી ભરતી માટે જ્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે ત્યારે સરકારના તમામ દાવાના પરપોટા ફૂટી જાય છે. તાજેતરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જીઆરડની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ઉમટી રહ્યા છે અને ભારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં જીઆરડીની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમાં માત્ર ૬૦૦ જગ્યા માટે અધધધ કહી શકાય તેટલા ૬ હજાર ઉમેદવારો આવી પહોંચતા ભારે અરાજકતા સર્જાઈ હતી.

  ભીડને કાબૂમાં કરવ માટે પોલીસને ડંડાનો ઉપયોગ કરવો પડ્યો હતો. જીઆરડીની નોકરી કરવા માટે ઊંચી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ઊમટી પડ્યા હતા. આ બેકારીનું પિક્ચર માત્ર બનાસકાંઠા જિલ્લાનું જ હતું અને આવા અન્ય ૩૨ જિલ્લામાં પણ બેકારીનું ભયાનક ચિત્ર છે પણ રાજ્ય સરકાર હજુ પણ સબ સલામતના દાવા કરી રહી છે. બેકારીનો ગ્રાફ ઉત્તરોત્તર ઊંચકાઈ રહ્યો છે અને સરકાર નજીવી જાહેરાતો આપીને બેકાર ઉમેદવારોની ક્રૂર મશ્કરી કરતી હોવાનુ ઉમેદવારોને લાગી રહ્યું છે. પાલનપુરમાં જીઆરડીની ભરતી સરકાર માટે આંખ ઉઘાડનારી એટલા માટે છે કે, જે નેતાઓ માત્રને માત્ર બોલવા ખાતર બોલે છે કે, રાજ્યમાં બેકારી છે જ ક્યાં તેમના માટે આ એક બોધપાઠ જેવો કિસ્સો છે. કારમી મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે ભણેલા ગણેલા શિક્ષિત ઉમેદવારો પણ જીઆરડી બનવા માટે તૈયાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW