મુંબઈ, શુક્રવાર
કોરોનાના નવા વેરિએન્ટની આહટથી ભારત સહીત દુનિયાભરના રોકાણકારોની ઉંઘ ઉડી ગઈ છે. તેનાથી ભારતના શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું છે.
સપ્તાહના આખરી કારોબારી દિવસે ભારતીય શેરબજાર ખરાબ રીતે તૂટયું. સેન્સેક્સ 1687.94 અંક એટલે કે 2.87 ટકાના નુકસાન સાથે 57107.15ના સ્તરે બંધ થયો. તો નિફ્ટી પણ 509,80 અંક એટલે કે 2.91 ટકા ગગડીને 17026.50ના સ્તરે બંધ થયો. આને કારણે એક દિવસમાં બીએસઈની માર્કેટ કેપિટલ 7 લાખ 36 હજાર કરોડ રૂપિયા ઓછી થઈ છે. એટલે કે રોકાણકારોને આટલું નુકસાન થયું છે. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે માર્કેટ કેપિટલ 2,65,66,953.88 કરોડ રૂપિયા હતી અને તે હવે ઘટીને 2,58,31,172.25 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટની હાજરીની જાણકારી મળી છે. તેના પર વૈજ્ઞાનિક રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. તેની સાથે જ ડબ્લ્યૂએચઓની ઈમરજન્સી મીટિંગ બોલાવવાની માગણી કરી છે. આ સ્થિતિને જોતા આફ્રિકામાંથી ઘણાં દેશોએ વિમાનસેવાઓ પર રોક લગાવી દીધી છે. ભારત પણ એલર્ટ થઈ ગયું છે. કોરોનાના નવા વેરિએન્ટની ઈકોનોમીની રિકવરી પર અસર પડવાની આશંકા છે. તેના કારણે ફરી એકવાર દુનિયાભરમાં લોકડાઉનની આહટ જોવા મળે તેવી શક્યતા છે. ટ્રેક પર પાછી ફરી રહેલી ઈકોનોમી માટે આ એક મોટો આંચકો છે. તેના સિવાય વિદેશી રોકાણકારો પણ શેરબજારમાંથી નાણાં કાઢવા લાગ્યા છે. નફાવસૂલીની આ કવાયત ક્રિસમસ અને ન્યૂ ઈયર સેલિબ્રેશન માટે થઈ રહી છે. લગભગ દર વર્ષે શેરબજારમાં આવી સ્થિતિ બને છે.