વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ અર્બન ફોરેસ્ટના 1200 વૃક્ષોને નાશ કરવાના મુદ્દે નગરપાલિકાના સત્તાધિશો સામે જાહેરહિતની અરજી કરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાના સત્તાધિશોનો ઉધડો લીધો હતો. તેમજ જો વૃક્ષો જ નહીં હોય તો ઓક્સિજન લાવશો ક્યાંથી ? જેવા પ્રશ્નો પુછ્યાં હતાં. ગુજરાત હાઈકોર્ટે પાલિકાની ટીપી સ્કીમ નામકરણ ઉપર રોક લગાવવા માટેનો આદેશ કર્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા અર્બન ફોરેસ્ટને દૂર કરી શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જે મામલે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પાલિકાના સત્તાધીશોએ પ્લોટ નંબર 290ની જગ્યા પર 1200 જેટલા વૃક્ષોને દૂર પણ કરી દીધા હતા અને વિકાસના કામ માટે વર્ક ઓર્ડર આપી દીધો હતો.
અર્બન ફોરેસ્ટના 1200 વૃક્ષોનું નિકંદન કઢાતા અને શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ હેમંત પ્રછચ્કની ખંડપીઠે તેની ગંભીર નોંધ લીધી હતી અને પાલિકાના સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી હતી.
અરજદારના વકીલે જણાવ્યું કે, આ પ્લોટ જે તે સમયે રાજ્ય સરકારના નંદનવન યોજના અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને સ્થાનિકો મારફતે તેનું જતન પણ કરવામાં આવતું હતું. જો કે રાજ્ય સરકારની પરવાનગી વિના જ નગરપાલિકાના સત્તાધીશોએ તે સ્થાન પર ઓડિટોરિયમ અને શોપિંગ સેન્ટર બનાવવા માટે આ વૃક્ષોને કાપી નાખવા બાબતે અવલોકન કરી કહ્યું કે, એ દિવસો દૂર નથી કે જ્યારે લોકો ઓક્સિજન વિના તરફડશે. જેથી ગુજરાત હાઈકોર્ટે પાલિકાનાં વિકાસ કામોમાં ન્યુ ટીપી સ્કીમની અમલવારી પર રોક લગાવી કોર્ટની પરવાનગી બાદ જ આગળની પ્રક્રિયા કરવા માટે નિર્દેશ આપ્યા છે.