એક બાજુ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની સાથે માનવતા પૂર્વકનો વ્યવહાર થવો જોઈએ. આવી ટકોર કરી રહ્યા છે. પણ રાજકોટમાં આનાથી ઊલટું ચિત્ર જોવા મળ્યું છે. મહિલાએ પોલીસને એક નાનકડો પ્રશ્ન કરતા ખાખીધારી ગુસ્સે થઈ ગયા હતા. આ સવાલના ઉત્તર સ્વરૂપે નિયમભંગના ઓઠા હેઠળ ટ્રાફિકકર્મીએ તાલિબાની વલણ અપનાવ્યું હતું. આવો જ અનુભવ એક દિવસ પહેલા અમદાવાદની મહિલાને થયો હતો.
જ્યાં મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ડ માગ્યું તો તેણે રોષે ભરાઈને મહિલાઓની કાર ટો કરાવી દીધી હતી. પરિણામે, મહિલાઓ મુશ્કેલીમાં મૂકાઈ જતાં રસ્તા પર તેઓ ચોધાર આંસુએ રડી પણ પડી હતી. આ સમગ્ર કેસ અંગે રાજકોટ સિટી DSP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસનો જે વાયરલ વીડિયો મળ્યો છે એની ચોક્કસ તપાસ કરવામાં આવશે. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડાશે.
જો કોન્સ્ટેબલ દોષિત હશે તો કડક પગલાં પણ લેવાશે. આ ઉપરાંત જે ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન નહીં કરે તો એની સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે. રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલાને રાજકોટ ટ્રાફિક પોલીસને કડવો અનુભવ થયો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકા નજીક વાહન ચેકિંગ ચાલું હતું. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, પીયુસી જેવા ડૉક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા. આ સમયે મહિલાએ ટ્રાફિક બ્રાંચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનું આઈકાર્ડ માગ્યું હતું. આવા પ્રશ્નથી હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. તેથી તેણે કાર ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ કારણે બંને વચ્ચે મોટી માથાકુટ અને બોલાચાલી થઈ હતી. બીજી તરફ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડની બાઈક પર કોઈ પ્રકારની નંબર પ્લેટ જ ન હતી. બીજાને ટ્રાફિકના કાયદાનું ભાન કરાવનાર પોલીસ જ નિયમ ભંગ કરતી જોવા મળી. મહિલા રસ્તા વચ્ચે મુશ્કેલીમાં મૂકાઈ જતા ચોધાર આંસુએ રડવા લાગી હતી.
ટ્રાફિક પોલીસે આખરે ટો વાહન મંગાવીને એની કાર ટો કરાવી દીધી હતી. કારમાં બેઠેલી મહિલાની માનસિક સ્થિતિ બરોબર ન હતી. એ કારમાં બેઠી હતી એને ઊતરવા પણ ન કહ્યું અને કાર ટો કરી નાંખી હતી. પછી એકાએક મહિલા કારમાંથી નીચે ઊતરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીસીઆર વાન અને અન્ય પોલીસની ટીમ આવી પહોંચતા કાર ટો કરવાના બદલે દંડ વસુલ કરવા માટે અપીલ કરી હતી. પણ પોલીસ ટસની મસ ન થઈ.