સૌથી મોટી ઓઈલ બિઝનેસ કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. અને વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી આર્મકો વચ્ચેની ઓઈલ ટુ કેમીકલ બિઝનેસનો 15 બિલિયન ડોલરનો કરાર રદ થયો છે. આ વાત રીલાયન્સે જાહેર કરી છે. આ સોદાની પુન: સમીક્ષા થશે. ત્યાર બાદ યોગ્ય સમયે કોઈ મોટો નિર્ણય લેવાશે. જો કે તેનો અર્થ સ્પષ્ટ છે કે બંને કંપનીઓ આ કરારમાં આગળ વધશે નહી. બે વર્ષ પુર્વે થયેલા આ કરારમાં રીલાયન્સના ઓઈલ અને કેમીકલ બિઝનેસને અલગ કરવાના હતા જે હવે શક્ય નથી.
ઓઈલમાં સાઉદી આર્મકોને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 20% શેર સાથે ભાગીદાર બનાવાના હતા. એટલું જ નહી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેકટર પદે આર્મકોના ચીફ અને સાઉદી સરકારના વેલ્થ ફંડના ગવર્નર યાશીર રૂયાહનને સ્થાન આપવાનું હતું. જો કે છેલ્લા બે વર્ષમાં અનેક મુદા પર રીલાયન્સ અને સાઉદી આર્મકો વચ્ચે આ સોદામાં મતભેદો હોવાનું ખુદ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેર કર્યુ હતું. રીલાયન્સમાં રોકાણ કરનાર અમેરિકાની અનેક ઈન્વેસ્ટર્સ કંપનીએ વિરોધ કર્યો હતો. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રીલાયન્સના વ્યાપારી માળખામાં જે ફેરફાર થઈ રહ્યા છે. તેથી બંનેએ સંમતીથી જ બંને પક્ષોને લાભકર્તા રીતે આ કરારની પુન: સમીક્ષા કરવા નિર્ણય લીધો છે. આ કરારમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુખ્ય મથક જેવી જામનગર રીફાઈનરી કેન્દ્ર સ્થાને હતી. તેને કાર્બન ઝીરો કંપની તરીકે પણ સ્થાપવાનો હેતુ હતો.
રીલાયન્સે જાહેર કર્યુ છે કે, તેણે ઓઈલ ટુ કેમીકલ બીઝનેસ ને અલગ કરવા માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ પાસે જે અરજી કરી હતી તેને પણ પાછી ખેચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રીલાયન્સે જામનગર નજીકના જ જે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્લેક્ષ સ્થાપવાની જાહેરાત કરી પછી સાઉદી સાથેની ડીલ અંગે પ્રશ્નો સર્જાયા હતા.