ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દેવભૂમિ દ્વારકા અને સલાયામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરાયા બાદ મોરબી પાસે આવેલા ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે. હવે ઝીંઝુડા બાદ જામકલ્યાણપુરના નાવદ્રામાંથી 24 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ રીમાન્ડ દરમિયાન અન્ય ડ્રગ્સ લીંકની માહિતી આપતા વધુ જથ્થો ઝડપાયો છે.
બે આરોપી રાજસ્થાન અને એક જામનગરથી પકડાયો છે. આ જ ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હશેન રાવ જે જોડિયા રહેતો એની પણ ધરપકડ કરવામાં આવ છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ સુધી ડ્રગ્સ માફિયાઓની સંડોવણી ખુલી છે. જેમાં સૌથી વધારે માહિતી ઝબ્બાર જોડિયાએ પૂછપરછમાં આપી છે. આ કેસમાં પોલીસે પંજાબમાંથી પણ આરોપીને ઓળખી લીધા છે. ઝીંઝુડામાંથી જે ડ્રગ પકડાયું એ પંજાબ મોકલવાની હતું. આ કેસના પગલે પંજાબ પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. પંજાબ અને રાજસ્થાનની બોર્ડર સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસે આવેલા નાવદ્રા ગામેથી બુધવારે રૂ.120 કરોડની કિંમતનું 24 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ કેસમાં રાજસ્થાન અને જામનગર પાસે આવેલા જોડિયાથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝીંઝુડા ડ્રગ કેસમાં પકડાયેલા ત્રણ આરોપી પાસેથી પોલીસને ચોંકાવનારી વિગત મળી છે. આરોપીઓએ 12 કિલો હેરોઈન ડ્રગ્સની ડિલેવરી રાજસ્થાનના ઈકબાલ ડાડા ભંગારિયા, અંકિત જાખડ અને અરવિંદ યાદવને કરી હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, પંજાબના કુખ્યાત ડ્રગ માફિયા ભોલા શુટરનું નામ આ કેસમાં ખુલ્યું છે. ભારતભુષણ શર્મા ઉર્ફે ભોલા શુટર અત્યારે પંજાબના ફરિદકોટની જેલમાં છે. તેથી અંકિત જાખડ અને અરવિંદ યાદવ સહિતના માણસો ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ભોલા શુટર સામે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાંથી લૂંટ અને ખંડણીના કેસ નોંધાયેલા છે.
ઝીંઝુડા ડ્રગ કેસમાં ઝડપાયેલા મુખતાર હુસેન ઉર્ફે ઝબ્બાર જોડિયા પૂછપરછ કરાતા તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં છુપાવેલો છે.એવી કબૂલાત આપી હતી. જેના પગલે ગુજરાત એટીએસની એક ટીમ તેને સાથે રાખીને નાવદ્રા ગામે અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયાના મકાનમાં ગયા હતા. જ્યાં ટીમે દરોડા પાડ્યા હતા. અહીંથી 24 કિલો વધુ હેરોઈન ઝડપાયું હતું. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત રૂ.120 કરોડ થાય છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારિયો, અલીમિયા કાદરી, અરવિંદ ચુનિલાલ યાદવને પકડી લેવામાં આવ્યા છે. ઈકબાલ ડાડો રાજસ્થાનથી, અલીમિયા બંદર રોડ જામસલાયા સોડસલા, અરવિંદ ચુનિલાલ યાદવ મન્નીવાલી સાદુલશબર, જિલ્લો ગંગાનગર રાજસ્થાનથી પકડાયો છે.