અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના દુનિયાના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે. આ કાર્યનો આરંભ થઇ રહ્યો છે. અજાયબી સ્વરુપે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય તા. 22 નવેમ્બર 2021થી શરુ થશે. જેમાં શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
પહેલા ભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ ભવ્ય રીતે સંપન્ન થયું હતું. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે નિર્માણ કાર્ય શરુ કરવામાં સમય લાગ્યો છે. યજ્ઞમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે.એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનો મુખ્ય ઉદેશ વ્યસનમુક્તિ જનજાગૃતિ અને કોરોના અને રસીકરણ જાગૃતિનો છે.