એવું ઘણી વખત જોવા મળ્યું છે કે, ડૉક્ટર્સના કાર્યક્રમોને કારણે હાલાકી ભોગવવાનો વારો દર્દીઓનો આવે છે. સોમવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કૉલેજમાં બપોરના સમયે PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને ચોથા વર્ગના કર્મીઓ સુધીના લોકોને હાજર રહેવા ફરમાન કરાતા દર્દીઓ રઝળ્યા હતા.
ડૉક્ટર્સે ફરજિયાત હાજર રહેવાના ફરમાનથી પોતાની ઓપીડી ઝડપથી અને વહેલી પૂરી કરી નાંખી હતી. સોમવારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વડાપ્રધાન મોદીએ આઠ જેટલી મેડિકલ કૉલેજનું ઉદ્ધાટન કર્યું હતું. જેનું લાઈવ પ્રસારણ દેશભરની મેડિકલ કૉલેજમાં લાઈવ કરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી જગ્યાએથી તબીબોને હાજરી આપવાનું ફરજિયાત કરી દેવાતા દર્દીઓ રઝળ્યા હતા. આ પ્રસારણ માટે રાજકોટ શહેરની પીડીયુ મેડિકલ કૉલેજમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સિવિલ સર્જનથી લઈને મેડિકલ જગતના ઉચ્ચ અધિકારીઓને વહેલાસર પહોંચી જવા માટે આદેશ અપાયા હતા. સોમવારના દિવસે ઓપીડીમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હોવા છતાં આ કાર્યક્રમ હોવાથી વહેલી પૂરી કરી દેવામાં આવી.
આ ઉપરાંત હોલમાં સંખ્યા વધારે દેખાડવા માટે વર્ગ-1થી વર્ગ-4 સુધીના સ્ટાફને આ ફરજિયાત હાજરી દેવા આદેશ કરાયા હતા. લાઈવ પ્રસારણ પહેલા યોજાયેલા આ સ્થાનિક કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે, સરકારી તબીબો અને નર્સિંગ સ્ટાફે કોરોનાની બીજી વેવ વખતે કર્મયોગીઓની જેમ દિવસ રાત દર્દીઓની સેવા કરી છે. કોરોનાના વેક્સીનેશન અભિયાનમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. કોરોના કાળમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ પર તથા સરકારી દવાખાનાઓ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. કર્મયોગીઓ સરકારના વિનામુલ્યેના કાર્યક્રમોમાં ખૂબ સેવા ચાકરી કરી રહ્યા છે. આ માટે એમને વંદન અને અભિનંદન.