ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજકોટ જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હોવાનું માની તેમજ જે જિલ્લામાં ઓછો વરસાદ થયો તેવા તાલુકામાં રાજય સરકારે ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરી છે. જોકે આ પેકેજમાં મોરબી જીલ્લા નો સમાવેશ કરવામાં આવેલ નથી.જેથી મોરબીના ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હોવા છતાં સહાય મળી શકી નથી. મોરબી જીલ્લામાં મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ 28 દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ નથી. જેથી આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી. તો ચોમાસાના છેલ્લા દિવસોમાં એક સાથે વધુ પ્રમાણમાં વરસાદ થતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે. આમ મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી.મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે. ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતો ને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે.
આ નવી સરકારમાં મોરબી જીલ્લા ને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે અમારી આ બાબતે મોરબી તાલુકા કોંગ્રેસના અગ્રણી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસો. સેક્રેટરી કે.ડી.બાવરવા એ સીએમ સમક્ષ માગણી કરી છે કે અમારા જીલ્લાના ખેડૂતોને ન્યાય આપો અને ઉપર મુજબના પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવા વિનંતી. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.