ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ભાજપે પોતાની ટીમ મેદાને ઊતારી દીધી છે. જનઆશીર્વાદ યાત્રાની સાથે બીજા તબક્કામાં પ્રચાર અભિયાન માટે વ્યૂહરચના પણ ગોઠવાઈ ચૂકી છે. એવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યમાં અગાઉની રૂપાણી સરકારે ઊભી કરેલી એન્ટી ઈન્કમબસીને દૂર કરવા માટે નવી પટેલ સરકારે પક્ષ સંગઠનને સાથે રાખીને મહેનત શરૂ કરી દીધી છે.
આ માટેની એક બ્લુ પ્રિન્ટ પણ તૈયાર હોવાનું રાજકીય લોબીમાંથી જાણવા મળ્યું છે. નવા મંત્રીઓની જે તે જિલ્લામાં યાત્રા બાદ દિવાળી પર સમગ્ર રાજ્યમાં પક્ષના મોટા નેતાઓ ફરી વળશે. સાથોસાથ પ્રજાના પ્રશ્નો અને ફરિયાદનો પણ નિકાલ કરશે. ભાજપે હાલમાં એક પ્રચાર યોજના શરૂ કરી દીધી છે. ખાસ કરીને કોરોનાકાળમાં ખરડાયેલી છબીને સાફ કરવા માટે અને રૂપાણી સરકાર વખતેના વિરોધને ઠારવા માટે પાટીલ અને મુખ્યમંત્રી પટેલે હાથ મિલાવ્યા છે. આ મુદ્દો ગંભીર બને એ પહેલા જ ડેમેજ કંટ્રોલ કરવા માટે પટેલ સરકારના મંત્રીઓની ટીમ બીજા તબક્કામાં મેદાને ઊતરશે. દિવાળી બાદ ભાજપ પક્ષ સંગઠનના પદાધિકારીઓ સમગ્ર રાજ્યમાં ફરશે. આયોજન અનુસાર દરેક મંત્રી તેમના મતક્ષેત્ર સહિતના બે જિલ્લામાંથી મુલાકાત કરશે. જિલ્લા કક્ષાએ સરકારી તંત્ર અન ભાજપ સંગઠનની મદદથી પ્રજામાંથી સત્તા વિરોધી મુદ્દાને દૂર કરવા પ્રયત્નો શરૂ કરશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને સ્થાનિક સમસ્યાઓનો નીવેડો લાવશે. જિલ્લાના મોટા અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ થશે.
દિવાળી સુધીમાં રાજ્યના તમામ નાના મોટા રસ્તાઓનું રીકાર્પેટિંગ થઈ જશે. આ માટે માર્ગ અને મકાન વિભાગને ખાસ સૂચના આપી દેવામાં આવે છે. દરેક જિલ્લાના પ્રોજેક્ટ અને યોજનાઓ અંગે સમિક્ષા થશે. ડીસેમ્બર 2022 સુધીમાં તે તમામ પૂરા થાય એવા પ્રયત્નો કરાશે. પ્રભારી મંત્રી તરીકે ફરજ બજાવતા વ્યક્તિઓ રાજ્યકક્ષાના મંત્રીને સાથે રાખી પ્રવાસ કરશે. જેમાં જિલ્લા તાલુકા સ્તરના પદાધિકારીઓ પણ સાથે જોડાશે. નવી સરકારમાં 100 દિવસનો જન કલ્યાણ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. મંત્રીઓ, વિભાગના અધિકારીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી અભિપ્રાય, સૂચનો તથા પ્લાનિંગ મંગાવાઈ રહ્યા છે. આ પહેલા કેશુબાપાની સરકાર વખતે આ પ્રકારનો 100 દિવસનો પ્લાન શરૂ કરાયો હતો. ખાસ તો દરેક જિલ્લામાંથી સમસ્યાઓના નિકાલ માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.