રાજકોટ શહેરમાંથી સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં મહિલાએ બે દીકરાઓ સાથએ અગ્નિસ્નાન કરી લેતા કુલ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કુવાડવા પોલીસ અને DCP સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી વિગત મળી હતી કે, આ કેસ ઘરકંકાસનો હોઈ શકે છે.

મૃતકના પતિએ કહ્યું કે, મારે મારા પત્ની સાથે કોઈ પ્રકારની બોલાચાલી થઈ નથી. એક વખત માતાને બોલાચાલી થઈ હતી. પોલીસે આ કેસમાં તપાસ ચાલું કરી દીધી છે. કુવાડવા રોડ પર નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં રહેતા દયાબેન વિજય ડેડાણિયાએ 7 વર્ષના દીકરા મોહિત તથા 4 વર્ષના ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ દયાબેનના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એકાએક આગ લાગી જતા મહિલા તેમજ બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આગને કારણે ઘરે પડેલી ઘરવખરી પણ બળી ગઈ હતી. આ પહેલા મોરબી જિલ્લામાંથી પણ ઘરમાં અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જે મામલે મોરબીના એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ થઈ હતી. દયાબેનના કેસમાં પોલીસે એના સાસુની પૂછપરછ કરી છે. જ્યારે પતિએ કહ્યું હતું કે, મેં વિચાર્યું પણ ન હતું કે, પત્ની આવું પગલું ભરી બેસશે. બાળકો સાથે મોતને વ્હાલુ કરશે. દયાબેને ઘરનું બારણું અંદરથી બંધ કરીને પોતાને તથા બાળકોને આગ લગાડ્યાનું અનુમાન છે. આમ થતાં જ મહિલા અને બાળકો ઘરની અંદર જીવતાં ભૂંજાવા લાગ્યાં હતાં. જોકે ત્રણ મૃતદેહ એવી સ્થિતિમાં મળી આવ્યા હતા કે નજરે જોઈ શકાય એમ નથી.


