નોરતાના પાવન પર્વ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો માટે સારા વાવડ સામે આવ્યા છે. હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું અંતર ઘટી જશે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 48 કિમી લાંબા નવા સિક્સ લેન હાઈવેનું લોકાર્પણ કર્યું છે. રૂ.1005 કરોડના ખર્ચે હાઈવેનું નિર્માણ કર્યું છે. સિક્સ લેન હાઈવે થવાને કારણે 48 કિમીનું અંતર 35 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. તારાપુરથી વાસદ 48 કિમી લંબાઈના હાઈવે પર હવે ઈંઘણની પણ બચત થશે. આખરે ખરાબ રસ્તાને લઈને કરવી પડતી ઊંટ સવારીનો અંત આવ્યો છે.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, આ માર્ગને સમાંતર તારાપુર બગોદરા કડીનું કામ પણ અંતિમ તબક્કામાં છે. જે કામ પૂર્ણ થતા પ્રવાસીઓને સારી એવી સુવિધા મળી રહેશે. એક સમય એવો હતો કે, ગુજરાતમાં આ પ્રકારના માર્ગ જ ન હતા. આજે ગુજરાતના તમામ ગામ રોડ ક્નેક્ટિવિટીથી જોડાઈ ગયા છે. આ મામલે ગુજરાત દેશમાં પહેલા ક્રમે છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે, રાજમાર્ગોએ રાજ્યની ધોરીનસ સમાન છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાહનવ્યવહારમાં સરળતા રહેશે. વાહન ચાલકોના સમયની સાથે એના ઈંધણની પણ મોટી બચત થઈ જશે.