રાજકોટ,ગુરુવાર
રાજકોટના સરદારમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું 10થી 18 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ આવશે અને સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે. તેમજ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદો, ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. 11મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.અમિત શાહની ઉપસ્થિતિમાં સરધાર સ્વામિનારાયણ મંદિર દ્રારા કોલેજના બે હજાર વિદ્યાર્થીઓને રહેવા જમવાની નિશુલ્ક વ્યવસ્થા કરતા છાત્રાલયનું ભુમિપૂજન કરવામાં આવશે.અમિત શાહના કાર્યક્રમને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. સરદાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે. મૂર્તિ પ્રતિષ્ઠા 13 ડિસેમ્બરને સોમવારના રોજ થશે. આ મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણનું આયેજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે સરદાર મંદિરના પ્રણેતા નિત્યસ્વરૂપદાસ સ્વામી બિરાજી ગીત-સંગીતના સથવારે કથાગંગાનું રસપાન કરાવશે. આ મહોત્સવ અંતર્ગત 100 સહસ્ત્ર કુંડી શ્રીહરિ યજ્ઞદર્શન, સંત દર્શન તથા ભવ્ય પ્રદર્શનનો લાભ હરિ ભક્તોને પ્રાપ્ત થશે.

