ગાંધીનગર, મંગળવાર
આગામી 19 ડિસેમ્બરના રોજ ગુજરાતભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે, જેના પગલે ગ્રામીણ વિસ્તારોમાં રાજકારણ હવે ગરમાયુ છે અને ખાટલા બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. સમરસ થનારી ગ્રામ પંચાયતોને અપાતા અનુદાનની રકમમાં રાજ્ય સરકારે વધારો કર્યા પછી ગ્રામીણ ક્ષેત્રોમાં આ બાબતે કવાયત શરૂ થઇ હતી, જેના પગલે 1157 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ ચૂકી છે અને હજુ આજે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી આ આંકડો વધે તેવી સંભાવના નકારી શકાતી નથી.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય હરીફાઇમાં આંતરિક ખટપટો વધે નહીં અને ગામોના વિકાસ કાર્યો પર ધ્યાન અપાય તે માટે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાન્ટ ફાળવવાની સરકારની યોજનાને પગલે ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા 1157 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. 19 મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે, જેથી હજુ આજે પણ વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ શકે છે. વર્ષ 2016ની ચૂંટણી વખતે 1400 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની હતી.
આ વખતે કચ્છ અને રાજકોટમાં સૌથી વધુ 97 ગ્રામ પંચાયતો સમરસ બની છે, જ્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના વિસ્તાર મોરબીમાં 91 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. સૌથી ઓછી ડાંગમાં 1, ખેડા અને નર્મદામાં 7, છોટા ઉદેપુરમાં 6, અરવલ્લીમાં 9 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ઉલ્લેખનીય છે કે જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની બેઠક પર માત્ર એક ફોર્મ ભરાય એટલે કે હરીફ ઉમેદવારો ન હોય અને સમગ્ર ગ્રામ પંચાયત બિન હરીફ બને તેને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે. બીજી તરફ બાકીની ગ્રામ પંચાયતોમાં બંને પક્ષો સમર્થિત ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. પરિણામે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હવે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

