રાજકોટ સિટીમાં તૈયાર થઈ રહેલા ઈન્ટરનેશનલ એરપોર્ટની જગ્યામાં ખનીજચોરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અહીં એક બાઉન્ડરી વોલ પણ બનેલી છે છતાં ચેકિંગના અભાવે ખનીજચોર ફાવી ગયા હતા. જાણે રેઢો પટ પડ્યો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. ખનીજચોરી ચાલું કરીને બિલ્ડિંગ લાઈમ સ્ટોન એટલે બેલાની ચોરી થઈ રહી હતી. ખનીજચોર લાભ ખાટે એ પહેલા જ તંત્ર પહોંચી જતા દોડધામ થઈ ગઈ હતી. ભુસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેરના જણાવ્યા અનુસાર એરપોર્ટને ફાળવેલી જમીન પર કેટલાક શંકાસ્પદ વાહન જોવા મળ્યા હતા.
પછી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સ્થળેથી ગેરકાયદેસર ખાણી મળી આવી હતી. આ સિવાય બેલા કટ કરવા માટે ચકરડી પણ પડી હતી. પણ સ્થળ પરથી કોઈ મળ્યું ન હતુ. ખાણી સ્થિતિ જોતા હજુ પણ બે લેયર કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેના પુરાવા પણ મળ્યા હતા. છેલ્લા 10થી 15 દિવસથી આ પ્રકારની ચોરી થતી હોવાનું જાણવા મળ્યું છે. ખાણ ખનિજ વિભાગે તપાસ કરતા રૂ.2.5 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કિંમતમાં હજુ પણ વધારો થઈ શકે છે. આ મામલે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થશે. સામાન્ય રીતે ખનીજ ચોર સરકારી ખરાબા કે દુર્ગમ વિસ્તારમાં પડ્યા રહેતા હોય છે. પણ એરપોર્ટની જગ્યામાં ઘુસીને ખનિજચોરી કરવાનો પ્રયાસ પહેલી વાર કરવામાં આવ્યો છે. આ પાછળનું કારણ એ છે કે, એરપોર્ટની જગ્યા ખૂબ જ મોટી છે.જેમાં 10 ટકા જગ્યા પર કામ ચાલું છે. 20 ટકા એવો વિસ્તાર છે જેમાં કોઈ પ્રકારની બાઉન્ડરી વોલ નથી. ઘણા એવા પણ વિસ્તાર છે જે એરપોર્ટ ઓથોરિટીની નજર બહાર છે. આવા વિસ્તારમાં ખનિજ ચોર સક્રિય થયા છે. ખનિજ વિભાગ કે ફોરેસ્ટ વિભાગ પણ કોઈ રીતે ચેકિંગ કરતું નથી. એરપોર્ટ સ્ટાફને અજાણ્યા વાહન દેખાતા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.

