સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર આવેલી એક ખાનગી હોટેલમાં આજે અરેરાટીભરી દુર્ઘટના બની ગઈ હતી. આ હોટલના ચોથા માળે પર માતા પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે તેની દોઢ વર્ષની પૂત્રી રમતા રમતા બારી પાસે પહોંચી ગઈ હતી અને ત્યાંથી નીચે પડી જતા દોડધામ મચી જવા પામી હતી. બાળકીને તરત જ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પુત્રીના મોતના સમાચાર મળતાં માતા પણ બેભાન થઈ જતા તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, રાજકોટમાં ગોંડલ રોડ પરની એક ખાનગી હોટલમાં બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારી દોઢ વર્ષની બાળકીનું નામ નિત્યા હોવાનું ખૂલ્યું છે. આ બાળકીને લઈને તેનો પરિવાર પુનાથી રાજકોટમાં સગાઈ પ્રસંગે આવ્યો હતો. નિત્યાની સાથે તેની માતા માનસી હિતેષભાઈ કાપડિયા બાળકી સાથે આવી હતી. બંને માતા-પૂત્રી હોટલના રૂમમાં હતા, ત્યારે માતા ફોનમાં વ્યસ્ત હતી અને બાળકી બારી પાસે રમી રહી હતી. આ સમયે આ દુર્ઘટના ઘટી હતી. એક ડ્રાઇવરને આ અંગે ખબર પડતા તેણે જાણ કરી અને ભારે દોડધામ મચી જવા પામી હતી. બાળકની લાશ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો છે.

