નારી સશક્તિકરણ, સલામતી અને સન્માનપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સમાજમાં મહિલાઓ કોઈપણ ભય કે સંકોચ વગર આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે તે માટે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘અભયમ્ ૧૮૧’ મહિલા હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી છે. મુશ્કેલીના સમયે નારી શક્તિ માટે આશાના કિરણ સમાન બનેલી આ સેવા મોરબી જિલ્લામાં પણ અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે, જ્યાં માસિક સરેરાશ 70 થી વધુ કોલ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી રહી છે.
અભયમ્ ૧૮૧ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને વિવિધ મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યાપક સહાય પૂરી પાડવામાં આવે છે. ઘરેલુ હિંસા કે શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક મદદ, છેડતી કે પીછો કરવા જેવી સુરક્ષા સંબંધિત ઘટનાઓમાં ત્વરિત સહયોગ તેમજ જરૂરિયાત જણાયે અભયમ્ રેસ્ક્યુ વાન દ્વારા સ્થળ પર પહોંચીને રક્ષણ અને સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત, પારિવારિક સમસ્યાઓ અને માનસિક તણાવમાં યોગ્ય કાઉન્સેલિંગ, અધિકારો અને કાયદાકીય બાબતો અંગે કાનૂની માર્ગદર્શન તેમજ સરકારી યોજનાઓ અને સ્વવિકાસ સંબંધિત માહિતી પણ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે છે.
આ હેલ્પલાઇન અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક સંપૂર્ણપણે નિઃશુલ્ક કાર્યરત રહે છે. કોઈપણ ઉંમરની મહિલા કે યુવતી, ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના મહિલા નાગરિકો તેમજ મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને મદદ કરવા ઈચ્છતા પુરુષો પણ ૧૮૧ પર સંપર્ક કરી શકે છે


