રાજ્યમાં માવઠાએ ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે અને રવી પાકમાં મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. રાજ્યના અનેક માર્કેટયાર્ડોમાં ખેડૂતોનો કૃષિ પાક પલળી રહ્યો છે. આ મામલે રાજ્ય સરકારે હાથ અધ્ધર કરતાં કહ્યું હતું કે, માર્કેટયાર્ડોમાં માવઠાથી ખેત પેદાશોનું નુકસાન થશે તો તે માટે રાજ્ય સરકાર જવાબદાર રહેશે નહી. સંભવિત માવઠાની સ્થિતિને લઈ ખેડૂતો તેમજ માર્કેટયાર્ડોને અગમચેતીના ભાગરૂપે જાણ કરી દેવામાં આવી હતી. માર્કેટયાર્ડોએ બેદરકારી દાખવી હશે તો તેના માટે રાજ્ય સરકાર કોઈ સહાય આપશે નહી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક માર્કેટયાર્ડોમાં મગફળી સહિતનો પાક ખુલ્લામાં પડ્યો હોવાથી પલળી ગયો છે જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
રાજ્યમાં એક માસના ટૂંકા સમયમાં ફરીથી માવઠું થયું છે અને જેના કારણે ખેડૂતોને રવી પાકમાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. બીજી ડીસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેના પગલે માર્કેટયાર્ડોમાં પણ અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. અનેક યાર્ડોમાં ખેડૂતોની કૃષિ ઉપજાે ખુલ્લામાં પડી હતી અને જે વરસાદમાં પલળી ચૂકી છે જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ મામલે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, યાર્ડોમાં ખેત પેદાશોને થયેલા નુકસાન માટે માર્કેટયાર્ડો જવાબદાર છે, તેના માટે રાજ્ય સરકાર કોઈ સહાય ચૂકવશે નહી. સંભવિત માવઠાની સ્થિતિને લઈ રાજ્ય સરકારે ખેડૂતોને સજાગ કર્યા હતા અને ખુલ્લામાં પડેલો માલ સલામત જગ્યાએ ખસેડવા માટે જણાવ્યું હતું.
આ મામલે માર્કેટયાર્ડના સત્તાવાળાઓને પણ જણાવ્યું હતું પણ બેદરકારી દાખવી માલ સલામત સ્થળે ખસેડ્યો નથી અને હવે એ માલ પલળી ચૂક્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, મને હજુ કોઈ કૃષિ ઉપજ માવઠામાં પલળી ગઈ હોય તેની સત્તાવાર માહિતી મળી નથી. સરકારે ખેતીવાડી અધિકારીઓને માવઠાને લઈ એલર્ટ કર્યા છે અને માર્કેટયાર્ડો ઉપર ચાંપની નજર રાખવા કહ્યું છે અને નુકસાનીનો રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે. અનેક યાર્ડોમાં સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે ખેડૂતોની હાલત કફોડી બની શકે છે.

