ટંકારા તાલુકાના ગજડી ગામમાં ખોટી વાતો ફેલાવતો હોવાની શંકા રાખીને એક યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ યુવકને ગાળો આપી દાતરડા અને લાકડી વડે માર મારતાં ઈજા પહોંચી હતી. આ મામલે ટંકારા પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, ગજડી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ રવાભાઈ ડાંગર (ઉ.વ. 42)એ આરોપી હકાભાઈ છગનભાઈ જારીયા અને ભુવાભાઈ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હકાભાઈને એવી શંકા હતી કે, રમેશભાઈ ગામમાં તેમના વિશે ખોટી વાતો ફેલાવે છે. આ બાબતનો મનદુઃખ રાખીને બંને આરોપીઓ બોલેરો ગાડીમાં આવી રમેશભાઈને ગાળો આપવા લાગ્યા હતા.
આ દરમિયાન હકાભાઈએ રમેશભાઈ પર દાતરડાથી હુમલો કર્યો હતો, જ્યારે ભુવાભાઈએ લાકડી વડે તેમના વાંસાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, બંને શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


