લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. 27 ઓક્ટોબર થી તા. 05 નવેમ્બર, 2026 દરમિયાન મોરબી ખાતે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન અર્થે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કમિશનર દ્વારા મેળાના સ્થળે સ્ટોલની ગોઠવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વાહન પાર્કિંગ તેમજ ટ્રાફિક વ્યવસ્થા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે.
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


