મોરબી જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને તેની સંભાવનાઓનો તલસ્પર્શી તાગ મેળવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-2 ડેમ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કલેક્ટરે ડેમ ખાતે ચાલી રહેલા ફિશ કેચ કલ્ચર, માછીમારીની દૈનિક પ્રવૃત્તિઓ તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન મળે અને આ ક્ષેત્રે થતી કામગીરી વધુ વેગવાન બને તે અંગે અધિકારીઓ સાથે સવિસ્તર ચર્ચા કરી કલેક્ટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.


