રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કાદરી હોટલમાં જમવાનું મોડું થવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો. હોટલના સંચાલક સહિત બે શખ્સોએ યુવાન સાથે મારામારી કરી હતી. આ દરમિયાન એક શખ્સે યુવાનના માથાના પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા 24 વર્ષીય ભાવિનભાઈ વિનોદભાઈ ચાવડા જમવા માટે પોતાના સાથી સાથે કાદરી હોટલે ગયા હતા. દરમિયાન ભાવિનભાઈએ જમવાનું આપવા જણાવતાં ઇમ્તિયાઝભાઈએ જમવામાં સમય લાગશે તેમ કહ્યું હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.
ફરિયાદ મુજબ, ઉશ્કેરાયેલા ઇમ્તિયાઝભાઈએ ભાવિનભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી તેમના માથાના પાછળના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય આરોપી રાઠોડભાઈએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે ભાવિનભાઈ ચાવડાએ બંને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

