મોરબીના ત્રાજપર ગામની મયુર સોસાયટીમાં એક યુવતી છેલ્લા કેટલાક કલાકોથી એકલી બેઠી હોવાની જાણ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કરી હતી. યુવતી ગભરાયેલી હાલતમાં હોવાથી અને પોતાના સરનામા અંગે યોગ્ય માહિતી આપી શકતી ન હોવાથી તેની મદદ માટે 181 અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન બલેવિયા અને પાયલોટ વિરમભાઈ જીડ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ યુવતીને સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી. અભયમની ટીમે સૌપ્રથમ યુવતીને સાંત્વના આપી તેની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરીને તેની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તે પોતાના માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે એક કંપનીમાં રહે છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચાલે છે. યુવતીના જણાવ્યા મુજબ, તેની માતા ક્યારેક નશીલા પદાર્થોનું સેવન કર્યા બાદ તેની સાથે ગેરવર્તન કરતી, અપશબ્દો બોલતી તેમજ નાની-નાની બાબતોમાં માનસિક ત્રાસ આપતી હતી. આ ઉપરાંત મારપીટ કરીને ઘરની બહાર નીકળી જવા કહેવામાં આવતું હતું અને જીવનજરૂરી વસ્તુઓ પણ અપાતી ન હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો. આવી પરિસ્થિતિથી કંટાળીને તે બપોરના સમયે પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.
યુવતી પાસે પરિવારનો સંપર્ક નંબર ન હોવાથી તેણે જણાવેલા કંપનીના સરનામાના આધારે 181ની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે બપોરના સમયે માતા-દીકરી વચ્ચે ઝઘડો થતાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો મળ્યો નહોતો. આ સમગ્ર મામલે 181 અભયમની ટીમે યુવતીને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પોલીસ સ્ટેશન અને કાયદાકીય મદદ અંગે માહિતી આપી હતી. પરિવારજનોને પણ યુવતી સાથે ગેરવર્તન કે મારપીટ ન કરવા તેમજ તેની યોગ્ય કાળજી રાખવા સમજાવવામાં આવ્યા હતા.
અંતે યુવતીએ પરિવાર સાથે પરત રહેવાની સંમતિ આપતાં 181 અભયમની ટીમે તેને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપી હતી. દીકરીને સલામત રીતે પરત મેળવવામાં મદદ કરવા બદલ પરિવારજનોએ અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

