હળવદના જૂના ઈશનપુર ગામે ખેતીની જમીન અને રસ્તાને લઈને ચાલતા જૂના વિવાદે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ટ્રેક્ટરમાં ખાતર ભરી વાડીએ જઈ રહેલા યુવકને કેટલાક લોકોએ અટકાવી ધારીયા, ધોકા અને પાવડાના હાથા જેવા હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, હળવદના જૂના ઈશનપુર ગામે રહેતા ભરતભાઈ પાલાભાઈ મકવાણાએ આરોપી છન્નાભાઈ કાનાભાઈ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશ બાલાભાઈ મકવાણા અને કોકીલાબેન જગદીશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
ગઈ કાલના રોજ ભરતભાઈ મકવાણા પોતાના ટ્રેક્ટરમાં ખાતર ભરી વાડીએ જઈ રહ્યા હતા તે દરમિયાન આ દસ આરોપીઓ ફરિયાદીના ઘર પાસે પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ઉદ્દેશીને ગાળો આપી, “અમારા ઘરમાં ચીઠ્ઠી કેમ નાખી જાય છે?” તેમ કહી બોલાચાલી કરી હતી.
આ દરમિયાન આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકાથી ભરતભાઈના ટ્રેક્ટરના બોનેટ અને હેડલાઈટ પર માર મારી નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે. અન્ય આરોપીઓએ પણ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

