ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલા રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસ ઉપરની ઓરડીમાં ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના, રોકડ રૂ.2,23,200 અને સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,92,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે લજાઈ સબ સ્ટેશન તરફ જતા રસ્તે પવનસૂત ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા રાઘવ પોલીમર્સ કારખાનાની ઓફિસ ઉપરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મીતેશભાઇ દિનેશભાઇ અઘારા, દિવ્યેશભાઇ ઈશ્વરભાઈ પાડલીયા, રવીકુમાર અમૃતલાલ વાધડીયા, ભાવેશભાઇ મનજીભાઇ જગોદરા, ગૌરવભાઇ નથુભાઇ વરમોરા, વિકાસભાઈ હેમરાજભાઇ રાણીપા અને વિપુલભાઈ ખીમજીભાઈ અમૃતિયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રકડ રકમ, ગંજીપત્તા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.2,92,200નો મુદ્દામાલ કબજે કરી તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

