HomeGujaratવડોદરા: ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપના પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા

વડોદરા: ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપના પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા

વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી સગીરા ગેંગરેપ કેસમાં વિશેષ POCSO કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે કેસના તમામ પાંચ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ 20 ઓગસ્ટ, 2026ના રોજ કોર્ટે પાંચેય આરોપીઓને ગુનામાં દોષિત જાહેર કર્યા હતા. સજાના મુદ્દે બંને પક્ષની દલીલો બાદ આજે અદાલતે અંતિમ સજા સંભળાવી છે.

આ કેસ 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે બનેલી ઘટનાને પગલે ચર્ચામાં આવ્યો હતો. 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા માટે બહાર ગઈ હતી. બંને ભાયલી વિસ્તારના એકાંત સ્થળે બેઠા હતા ત્યારે બે બાઈક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવીને વાહનની ચાવી લઈ લીધી હતી. પરિવારને બોલાવી દેવાની ધમકી આપી બંનેને ડરાવવામાં આવ્યા હતા. દરમિયાન સગીરાએ મદદ માટે બૂમાબૂમ કરતાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ બાકી રહેલા ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા. મિત્રએ વિરોધ કરવાનો પ્રયાસ કરતાં તેને રોકી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રણ આરોપીઓએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો કેસ નોંધાયો હતો. ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આરોપીઓની ધરપકડ શરૂ કરી હતી. સૌપ્રથમ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરૂખ બનજારા પોલીસના હાથે ઝડપાયા હતા. ત્યારબાદ સૈફઅલી બનજારા અને અજમલ સત્તારની પણ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું હતું. તેઓ લાંબા સમયથી વડોદરામાં રહેતા હતા અને તાંદલજા વિસ્તારમાં મજૂરી તેમજ POP-કલરનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આરોપી મુન્નાને ઝડપી પાડવા પોલીસે ટેકનિકલ માહિતીનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે પરિવારજનોએ તે બહારગામ ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, મોબાઈલ લોકેશન નજીકના વિસ્તારમાં મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મુન્ના નજીકના એક મકાનમાં સૂતો હોવાનું જાણવા મળતાં પોલીસે રાત્રે આશરે એક વાગ્યે તેની ધરપકડ કરી હતી. મુન્નાની પૂછપરછ બાદ અન્ય આરોપીઓ અંગે પોલીસને મહત્વની કડીઓ મળી હતી અને વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં બાકીના આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

હવે વિશેષ POCSO કોર્ટે પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા આ ચકચારી કેસમાં મહત્વપૂર્ણ તબક્કાનો અંત આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW