હળવદના ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડ પરથી હળવદ પોલીસે ઇક્કો કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જેમાં રૂ. 1 લાખની કિંમતનો 500 લીટર દેશી દારૂ તેમજ રૂ. 3 લાખની કિંમતની ઇક્કો કારનો સમાવેશ થાય છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રજીસ્ટ્રેશન નંબર GJ-13-AM-4027 ધરાવતી ઇક્કો કારને અટકાવી તપાસ કરતાં તેમાં 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર ફિરોજ ફતેખાન મકરાણી, આસીફ મનસુરભાઈ મીર અને અફજલ અલ્લારખાભાઈ મકરાણી, ત્રણેય રહે. ધાંગધ્રા કબ્રસ્તાન પાસે, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગરની ધરપકડ કરી હતી.
પ્રાથમિક તપાસમાં દેશી દારૂનો જથ્થો શિવરાજ ગભરૂભાઈ કાળીયા, રહે. ખાટડી ગામ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, શિવરાજ કાળીયા હાલ પોલીસની પકડથી બહાર છે. આ સમગ્ર મામલે હળવદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

